Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Venezuela gets new president, Delcy Rodriguez will take over

કોણ છે ડેલ્સી રોડ્રિગ્ઝ? જેને માદુરોએ 'સિંહણ' કહી નવાજ્યા હતા, હવે તે સંભાળશે વેનેઝુએલાની સત્તા

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
કોણ છે ડેલ્સી રોડ્રિગ્ઝ? જેને માદુરોએ 'સિંહણ' કહી નવાજ્યા હતા, હવે તે સંભાળશે વેનેઝુએલાની સત્તા
સોર્સ : gstv

વેનેઝુએલામાં અમેરિકી સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવ્યા બાદ સર્જાયેલી અરાજકતા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશના બંધારણીય માળખાને જાળવી રાખવા માટે તાત્કાલિક નિર્ણય લેતા ડેલ્સી રોડ્રિગ્ઝ (Delcy Rodríguez) ને નવા વચગાળાના (Interim) રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

App Store

કોણ છે ડેલ્સી રોડ્રિગ્ઝ?

ડેલ્સી રોડ્રિગ્ઝ અત્યાર સુધી વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ માદુરો સરકારના સૌથી વિશ્વાસુ અને શક્તિશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે. સત્તાવાર જાહેરાત બાદ, હવે તેઓ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વર્તમાન અસાધારણ સંજોગોમાં દેશમાં સ્થિરતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડેલ્સી રોડ્રિગ્ઝની અંગત અને રાજકીય સફર

૫૬ વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝનો જન્મ 18 મે, 1969ના રોજ વેનેઝુએલાના કારાકાસમાં થયો હતો. તે ડાબેરી ગેરિલા ફાઇટર જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝની પુત્રી છે, જેમણે 1970ના દાયકામાં ક્રાંતિકારી લિગા સોશિયાલિસ્ટા પાર્ટીની સ્થાપના કરી હતી. તે માદુરો સરકારની  કટ્ટર સમર્થક રહી છે. માદુરોએ ડેલ્સીને તેમની સરકારના સમર્થન માટે "સિંહણ" કહી છે. તે તેના ભાઈ, વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના વડા જોર્જ રોડ્રિગ્ઝ સાથે કામ કરે છે અને અનેક મહત્ત્વપૂર્ણ સરકારી હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. 

તેણીએ 2013 થી 2014  સુધી સંદેશાવ્યવહાર અને માહિતી પ્રધાન, 2014 થી 2017  સુધી વિદેશ પ્રધાન અને 2017  થી સરકાર તરફી બંધારણ સભાના વડા તરીકે સેવા આપી હતી, જેણે માદુરોની સત્તાઓનો વિસ્તાર કર્યો હતો. જૂન 2018 માં રોડ્રિગ્ઝને વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને નિકોલસ માદુરોએ તેમની પ્રશંસા "એક યુવાન મહિલા, બહાદુર, અનુભવી, શહીદની પુત્રી, ક્રાંતિકારી અને હજારો યુદ્ધોમાં પરીક્ષણ પામેલી" તરીકે કરી હતી. ઓગસ્ટ 2024 માં, તેમને તેલ મંત્રાલયની દેખરેખ રાખવા અને વેનેઝુએલાના સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ પર વધતા યુએસ પ્રતિબંધોનું સંચાલન કરવાની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

અમેરિકી દળો દ્વારા નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કર્યા બાદ દેશમાં સત્તાની શૂન્યતા સર્જાઈ હતી. અમેરિકાએ જ્યારે વેનેઝુએલા પર કામચલાઉ નિયંત્રણનો દાવો કર્યો, ત્યારે વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંદેશ આપવા માટે ડેલ્સી રોડ્રિગ્ઝના નામ પર મહોર લગાવી દીધી છે. કોર્ટના મતે, માદુરોની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ જ કાયદેસર રીતે સત્તા સંભાળવા હકદાર છે.

નવા રાષ્ટ્રપતિ સામેના પડકારો

ડેલ્સી રોડ્રિગ્ઝ માટે આ કાંટાની સેજ સમાન છે. તેમની સામે મુખ્ય ત્રણ મોટા પડકારો છે:

અમેરિકી દબાણ: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન માદુરો સરકારને માન્યતા આપવા તૈયાર નથી અને તેઓ વેનેઝુએલાના તેલ સંસાધનો પર નિયંત્રણ મેળવવા માંગે છે.

માદુરોની મુક્તિ: ડેલ્સીએ સત્તા સંભાળતા જ પ્રથમ નિવેદનમાં માદુરોની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે અને આ હુમલાને 'સામ્રાજ્યવાદી આક્રમણ' ગણાવ્યું છે.

દેશમાં શાંતિ: સૈન્ય કાર્યવાહી બાદ કારાકસ સહિતના શહેરોમાં ફેલાયેલી અફરાતફરીને રોકવી એ તેમની પ્રાથમિકતા રહેશે.