US Visa Big Update: અમેરિકાએ 75 દેશો માટે વિઝા વિન્ડો કરી બંધ, લિસ્ટમાં જુઓ કયા કયા દેશો સામેલ

US Visa Big Update: અમેરિકાએ એક અત્યંત મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા 75 દેશોના નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા પ્રોસેસિંગ પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય "અરજદારોની કડક તપાસ" ના ભાગરૂપે લેવામાં આવ્યો છે, જે 21 જાન્યુઆરી થી અમલમાં આવશે અને આગામી આદેશો સુધી પ્રભાવી રહેશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના મેમોરેન્ડમ (યાદી) ના આધારે, અધિકારીઓએ વર્તમાન કાયદા અનુસાર વિઝા આપવાનો ઇનકાર કરવો પડશે અને સાથે જ અરજદારોના સ્ક્રિનિંગ અને મૂલ્યાંકનની પદ્ધતિઓની ફરીથી સમીક્ષા અને તપાસ કરવી પડશે. અમેરિકાએ જે દેશો પર આ રોક લગાવી છે તેમાં રશિયા અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશોનો પણ સમાવેશ થાય છે.
75 દેશોની યાદીમાં આ નામો પણ સામેલ
મળતી માહિતી અનુસાર, આ 75 દેશોની યાદીમાં રશિયા અને બ્રાઝિલ ઉપરાંત થાઈલેન્ડ, સોમાલિયા, ઈરાન, અફઘાનિસ્તાન, નાઈજીરિયા, ઈરાક, ઈજિપ્ત અને યમન જેવા દેશોના નામ સામેલ છે, જેમના નાગરિકોને હવે અમેરિકાના વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકાના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને દેશમાં પ્રવેશતા અટકાવવાનો છે, જેઓ આત્મનિર્ભર હોવાને બદલે સરકારી સહાય પર નિર્ભર રહે તેવી શક્યતા વધુ છે. એવું માનવામાં આવે છે કે આ નવા પ્રતિબંધો ત્યાં સુધી ચાલુ રહી શકે છે જ્યાં સુધી નવી સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પૂર્ણ ન થઈ જાય.
મિનેસોટા ફ્રોડ બાદ અમેરિકી તંત્ર બન્યું કડક
ઉલ્લેખનીય છે કે, મિનેસોટામાં થયેલા એક મોટા કૌભાંડ બાદ અમેરિકા સોમાલિયાના નાગરિકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મિનેસોટામાં કરદાતાઓના નાણાંથી ચાલતા અનેક કાર્યક્રમોમાં મોટા પાયે છેતરપિંડી પકડાઈ હતી, જેમાં સામેલ ઘણા લોકો સોમાલિયાના નાગરિકો અથવા સોમાલી-અમેરિકન હતા. અહેવાલ મુજબ, હવે વધુ ઉંમર અને વધુ વજન ધરાવતા અરજદારોને પણ અમેરિકન વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી શકે છે. આ સાથે, જેમણે ભૂતકાળમાં ક્યારેય પણ સરકારી રોકડ સહાય લીધી હોય, તેમના માટે પણ અમેરિકાના વિઝા મેળવવા ખૂબ મુશ્કેલ બની શકે છે.

