Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ukrainian drone attack on Russia's big data center, claims FP-1 drone attack

રશિયાના મોટા ડેટા સેન્ટર પર યુક્રેનનો ડ્રોન હુમલો, FP-1 ડ્રોનથી હુમલાનો દાવો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રશિયાના મોટા ડેટા સેન્ટર પર યુક્રેનનો ડ્રોન હુમલો, FP-1 ડ્રોનથી હુમલાનો દાવો
સોર્સ : gstv

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે ડિજિટલ માળખાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુક્રેને સતત બીજા દિવસે રશિયાની અગ્રણી ટેક કંપની યાન્ડેક્સના ડેટા સેન્ટર પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે. શુક્રવારે રશિયાના કલુગા વિસ્તારમાં આવેલા ડેટા સેન્ટરનો કેટલોક હિસ્સો ખોરવાયો હતો. આ પહેલાં ગુરુવારે સાસોવો શહેરમાં આવેલા યાન્ડેક્સના અન્ય ડેટા સેન્ટરની કામગીરી ઠપ થઈ ગઈ હતી. સતત બે દિવસ થયેલા હુમલાને કારણે કંપનીની ડિજિટલ સેવાઓ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યવસ્થા પર દબાણ વધ્યું છે.

App Store

કલુગામાં FP-1 ડ્રોનથી હુમલાનો દાવો

મીડિયા અહેવાલો અનુસાર, મોસ્કોના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કલુગા વિસ્તારમાં યાન્ડેક્સના ડેટા સેન્ટરને શુક્રવારે નિશાન બનાવવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલાને કારણે કેન્દ્રનો કેટલોક હિસ્સો અસરગ્રસ્ત થયો છે અને સેવાઓ સામાન્ય રાખવાનો પડકાર ઊભો થયો છે. યુક્રેનની શસ્ત્ર ઉત્પાદક કંપની ફાયરપોઇન્ટે આ હુમલામાં FP-1 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, નિશાન બનાવાયેલું કેન્દ્ર યાન્ડેક્સનું સૌથી મોટું ડેટા સેન્ટર છે અને તેની અનેક કામગીરી બંધ થઈ ગઈ છે. જોકે, નુકસાનની સંપૂર્ણ વિગતો હજી સ્પષ્ટ થઈ નથી.

સાસોવોમાં AI સુપર કમ્પ્યુટર ધરાવતું કેન્દ્ર ઠપ


ગુરુવારે રશિયાના સાસોવો શહેરમાં આવેલા યાન્ડેક્સના અન્ય ડેટા સેન્ટર પર પણ હુમલો થયો હતો. આ કેન્દ્ર મોસ્કોના દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. અહેવાલો અનુસાર, અહીં યાન્ડેક્સનાં AI મોડલ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતા ત્રણ સુપર કમ્પ્યુટરમાંથી બે રાખવામાં આવ્યા હતા. હુમલા બાદ કેન્દ્રની કામગીરી બંધ થઈ ગઈ હતી. યાન્ડેક્સને ઘણી વખત રશિયાનું ગૂગલ કહેવામાં આવે છે. કંપની સર્ચ એન્જિન ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, નેવિગેશન, સંગીત, ફિલ્મો અને ફૂડ ડિલિવરી જેવી ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે. આથી તેના ડેટા સેન્ટર પર હુમલાની અસર અન્ય કંપનીઓ અને વપરાશકર્તાઓ સુધી પણ પહોંચી શકે છે.

ડેટિંગ એપના વપરાશકર્તાઓના ડેટા અંગે ચિંતા


ડેટા સેન્ટર પરના હુમલાથી અન્ય કંપનીઓની સેવાઓ પણ ખોરવાઈ શકે છે. એક ડેટિંગ એપના માલિકે જણાવ્યું હતું કે વપરાશકર્તાઓ તેની સેવા વાપરી શકતા નથી. સાથે જ, એપમાં સુરક્ષિત રાખવામાં આવેલા બેકઅપ ડેટાને નુકસાન થવાની પણ ચિંતા છે. ડેટા સેન્ટરમાં કંપનીઓના રેકોર્ડ, ડિજિટલ ફાઇલો અને ઑનલાઇન સેવાઓ માટે જરૂરી માહિતી સંગ્રહિત હોય છે. આવા કેન્દ્રો બંધ પડતાં અનેક સેવાઓમાં વિક્ષેપ આવી શકે છે. જોકે, બંને હુમલામાં કુલ કેટલું નુકસાન થયું છે અને સેવાઓ સંપૂર્ણપણે ક્યારે સામાન્ય થશે તે અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News