થાઈલેન્ડમાં દુઃખદ ઘટના; ફુકેટમાં એક ઈમારતમાં આગ લાગી, 11 લોકો જીવતા ભડથું

થાઈલેન્ડમાં પ્રવાસીઓ વચ્ચે લોકપ્રિય એવા સ્થળ 'ફુકેટ'માં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે એક ચાર માળની વ્યાપારી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૧ લોકોના મોત થયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે આગ લાગી હતી. ફુકેટના પાટોંગ વિસ્તારના એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી એએફપી (AFP) ને જણાવ્યું કે, લગભગ ૩:૩૦ વાગ્યે એક વ્યાપારી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અગ્નિશામક દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને આગ પર કાબૂ મેળવવામાં બે કલાકનો સમય લાગ્યો હતો.
ઘણા લોકો ઘાયલ
ઈમારતની અંદરથી અત્યાર સુધીમાં ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં થાઈલેન્ડ અને મ્યાનમારના નાગરિકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ૧૬ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે; ધુમાડો શ્વાસમાં જવાને કારણે અને કાચ તૂટવાથી થયેલી ઈજાઓને લીધે તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આટલી ભીષણ આગ કેવી રીતે લાગી?
આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે. એક અધિકારીએ જણાવ્યું કે આગ ક્યાંથી શરૂ થઈ તે અંગે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડમાં ભૂતકાળમાં પણ આગની ઘણી મોટી દુર્ઘટનાઓ બની ચૂકી છે. આ વર્ષે જુલાઈમાં, બેંગકોકના એક બારમાં લાગેલી ભીષણ આગમાં લગભગ ૪૦ લોકોના મોત થયા હતા. તે પહેલાં, ૨૦૦૯માં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક નાઈટક્લબમાં લાગેલી આગમાં ૬૭ લોકોના જીવ ગયા હતા.






