VIDEO: "આ 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે, તમારા એક વાક્યથી કરોડો ભારતીયોના દિલ જીતાઈ ગયા : જકાર્તામાં પીએમ મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તેમના ઇન્ડોનેશિયા પ્રવાસ પર છે, જ્યાં જકાર્તામાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન તેમને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ અવસરે ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ સન્માન દેશવાસીઓને અર્પણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જકાર્તામાં આયોજિત એક ભવ્ય સામુદાયિક કાર્યક્રમમાં બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને સમાન વારસા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના જૂના નિવેદનને યાદ કરતા પીએમ મોદીએ બંને દેશોના જોડાણને એક નવો ઓપ આપ્યો હતો.
રાષ્ટ્રપતિને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "માનનીય રાષ્ટ્રપતિ જી, તમે ત્યારે પણ આ વાત કહી હતી અને આજે ફરીથી એ જ વાત દોહરાવી છે. તમે એ સમયે પણ ઉલ્લેખ કર્યો હતો કે તમારી અંદર ભારતનું ડીએનએ (DNA) રહેલું છે. મેં નોંધ્યું છે કે તમારી આ જ વાત પર સભામાં સૌથી વધુ તાળીઓ પડી હતી. આજે પણ તમારા આ નિવેદને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે; તમારા આ એક જ વાક્યથી ભારતના લોકોના દિલને ઊંડો સ્પર્શ થયો છે."
તેમણે આગળ ઉમેર્યું કે, "આ એક એવું ડીએનએ છે જે પરસ્પર વિશ્વાસમાંથી સર્જાયું છે. આ એક એવું ડીએનએ છે જે આપણા સમાન વારસા અને સંસ્કૃતિ પર બનેલું છે."
આ કાર્યક્રમમાં હાજર ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાનના આ પ્રવચનને ભારે ઉત્સાહથી વધાવી લીધું હતું. પીએમ મોદીના આ નિવેદનથી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો ફરી એકવાર મજબૂત રીતે ઉજાગર થયા છે.
પીએમ મોદીએ કહ્યું કે, "આજે સવારે મને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ માત્ર મારું નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ તમારા સૌ પ્રવાસી ભારતીયો માટે પણ ગર્વની વાત છે. આ પુરસ્કાર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની મજબૂત અને ગાઢ મિત્રતાનું વધુ એક પ્રતિક છે."
જકાર્તામાં આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ એવોર્ડ બંને રાષ્ટ્રો વચ્ચેના વધતા જતા સહયોગ અને મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

