નેપાળમાં ભયાનક જળપ્રલયથી હાહાકાર: 95નાં મોત, 133 ભારતીય સહિત 463 લોકો લાપતા!

નેપાળની તિબેટ સાથે જોડાયેલી સરહદ પર રસૂવામાં અચાનક આવેલા ભયાનક પૂરને કારણે ભારે ખાનાખરાબી થઈ હોવાના સમાચાર છે. આ પૂરમાં કેટલાય ગામો તણાઈ ગયા. પૂરનું પાણી પોતાની સાથે વીજ પ્રોજેક્ટ્સ અને પુલોને પણ વહાવી ગયું. આ ભીષણ પૂરથી 13 જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે અને કેટલાય વાહનો તેજ પ્રવાહમાં તણાઈ ગયા છે. આ પૂર તિબેટથી નેપાળ તરફ વહેતી ભોટેકોશી નદીમાં આવ્યું. નેપાળના કેટલાક જિલ્લાઓને હાઇ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેપાળના પ્રવાસન બોર્ડે 142 ભારતીય સહિત 291 વિદેશી નાગરિકોના પૂર બાદ ગુમ થયાની માહિતી આપી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 93 નેપાળી નાગરિકો પણ ગુમ છે.
તાજા અહેવાલો અનુસાર સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 95 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે નેપાળમાં ગુમ થયેલા લોકોની કુલ સંખ્યા 463 સુધી પહોંચી ગઈ છે. આ લાપતા લોકોમાં 133 ભારતીય, 52 વિદેશી અને 13 નેપાળી નાગરિકો સામેલ છે. હજુ પણ કેટલીય જગ્યાએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 25 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને બચાવ કામગીરીમાં 15 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ભારત-નેપાળ સરહદ પર SSB એ 11 રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમો તૈયાર રાખી છે, જ્યારે 7 વધારાની ટીમો સ્ટેન્ડબાય પર છે. 5 જિલ્લાઓમાં પૂરથી ભયાનક તબાહી મચી છે.
લાપતા પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ઘટના બુધવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે અચાનક બની હતી. બોર્ડે જણાવ્યું છે કે બોર્ડ, ટુરિસ્ટ પોલીસ અને અન્ય લોકો સાથે મળીને લાપતા પ્રવાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયા હોવાનું કહેવાય છે. આ આંકડાઓની ટૂર એજન્સીઓ, ગાઈડો, સુરક્ષા અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ટ્રાવેલ એજન્સીઓ અનુસાર ગુમ થયેલા લોકોની માહિતી
અચાનક આવેલા પૂર બાદ સ્માર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા 59 ભારતીય પ્રવાસીઓ, કાઠમંડુ હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા એક ઓસ્ટ્રેલિયન અને નેધરલૅન્ડના એક પ્રવાસી, લીફ હોલિડેની સેવાઓ લેનારા 46 ભારતીય પ્રવાસીઓ, કૈલાશ જર્નીની સેવા લેનારા કુલ 31 મુસાફરો ગુમ હોવાના અહેવાલ છે, જેમાં 26 વિદેશી નાગરિકો છે (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી), ટ્રેકર્સ સોસાયટીની સેવા લેનારા 77 પ્રવાસીઓ (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), રિચા ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવા લેનારા આઠ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ફિશટેલ ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સની સેવાઓ લેનારા ત્રણ અમેરિકન અને 17 મલેશિયાઈ પ્રવાસીઓ, હિમાલયન ગ્લેશિયરની સેવાઓ લેનારા 37 અપ્રવાસી ભારતીયો(NRI) અને અલ્પાઇન ઇકો ટ્રેકની સેવાઓ લેનારા યુકેના 12 અને દક્ષિણ આફ્રિકાના ચાર પ્રવાસીઓ ગુમ છે. તેમની સાથે ગયેલા 93 નેપાળી નાગરિકો પણ ગુમ હોવાની પ્રાથમિક માહિતી છે.

