તીસ્તા નદીના પાણીની વહેંચણીનો મુદ્દો ફરી ગરમાયો: બાંગ્લાદેશે ભારત સમક્ષ ઉઠાવી માંગ, ચીન સાથે મળીને મોટો પ્લાન તૈયાર

બાંગ્લાદેશે ભારત સાથે ફરી એકવાર તીસ્તા નદીના પાણીની વહેંચણીનો દાયકાઓ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ ઈચ્છતા નથી, પરંતુ એક મિત્ર રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશની જરૂરિયાતો અને હિતોને પણ ધ્યાને લેવા પડશે. બીજી તરફ, બાંગ્લાદેશ આ નદી પર ચીનના સહયોગથી મોટો પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યું છે.
ભારતે બાંગ્લાદેશના હિતો સમજવા પડશે : બાંગ્લાદેશી મંત્રી
ઢાકામાં આયોજિત એક સેમિનાર દરમિયાન બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શહીદુદ્દીન ચૌધરી (Shahiduddin Chowdhury) એ જણાવ્યું કે, ઢાકા નવી દિલ્હી સાથેના સંબંધો બગાડવા માંગતું નથી. ભારતની પોતાની જરૂરિયાતો છે અને બાંગ્લાદેશની પણ પોતાની જરૂરિયાતો છે, તેથી એક મિત્રએ બીજા મિત્રના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. તીસ્તા નદી ભારતના સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. ઉત્તરી બાંગ્લાદેશમાં ખેતી અને લોકોની આજીવિકા માટે આ નદી અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ સિંચાઈ અને અન્ય જરૂરિયાતો માટે તીસ્તાનું પાણી મહત્વની ભૂમિકા ભજવે છે.
ચીનના સહયોગથી તીસ્તા પ્રોજેક્ટ આગળ વધારવાની તૈયારી
આ વિવાદ વચ્ચે બાંગ્લાદેશ ચીનના સહયોગથી તીસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પૂર, નદીના ધોવાણ અને સૂકી ઋતુમાં પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. મંત્રીના જણાવ્યા અનુસાર, ઉત્તરી બાંગ્લાદેશના 5 થી 6 જિલ્લાના પરિવારો વર્ષોથી આ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેમને આ પ્રોજેક્ટથી ઘણી આશાઓ છે. જૂન મહિનામાં બીજિંગ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન તારિક રહેમાન (Tarique Rahman) એ ચીનના નેતૃત્વ સાથે આ પ્રોજેક્ટના ટેકનિકલ અભ્યાસને ઝડપી બનાવવા ચર્ચા કરી હતી.
શું છે તીસ્તા જળ વહેંચણીનો વિવાદ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા જળ વહેંચણીનો વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે. વર્ષ 1983 માં એક વચગાળાની વ્યવસ્થા હેઠળ ભારતને 39% અને બાંગ્લાદેશને 36% પાણી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જ્યારે 25% પાણી વહેંચણી વિના રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2011 માં એક નવા વચગાળાના કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ પશ્ચિમ બંગાળના વાંધાઓને કારણે આ કરાર આગળ વધી શક્યો નહોતો. ભારતે હંમેશા એ બાબત પર ભાર મૂક્યો છે કે તીસ્તા સાથે જોડાયેલા તમામ પાસાઓ પર સંબંધિત પક્ષો એટલે કે પશ્ચિમ બંગાળ સાથે વાતચીત કરવી જરૂરી છે.
પૂર્વ વડાંપ્રધાનના પ્રત્યાર્પણ મુદ્દે પણ સંબંધોમાં તણાવ
તીસ્તા જળ વિવાદ પહેલા પણ બાંગ્લાદેશે ભારત પ્રવાસને લઈને શરતો મૂકી વિવાદ ઊભો કર્યો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શાહિદુલ કરીમ (Shahidul Karim)એ જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રસ્તાવિત ભારત પ્રવાસ પહેલા 'અનુકૂળ માહોલ' બનવો જરૂરી છે. બાંગ્લાદેશે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) અને શહીદ શરીફ ઉસ્માન હાદી (Sharif Osman Hadi)ની હત્યાના આરોપીઓના પ્રત્યાર્પણની માગણીને વડાપ્રધાનના પ્રવાસ સાથે જોડી દીધી હતી અને ભારત સમક્ષ 'બાંગ્લાદેશ ફર્સ્ટ' નીતિ દોહરાવી આ માગણીઓ પર સત્તાવાર જવાબની અપેક્ષા વ્યક્ત કરી હતી.

