VIDEO: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સસ્પેન્સ યથાવત: ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું
Donald Trump and Iran War News : આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં આજે મોટો ધડાકો જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તંગદિલી પાછળ કૂટનીતિક હલચલ તેજ થતાં વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.5 ટકા ગબડીને 79.96 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. લાંબા સમય પછી ક્રૂડ ઓઇલનો ભાવ 80 ડોલરની નીચે આવતાં વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત મળી છે. ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ યુએસ અને ઈરાન વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને ફરીથી ખોલવા માટે સંભવિત કરાર થવાની અટકળો મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સાથે ફરી એકવાર ક્રૂડ ઓઈલની કિંમતો ઘટતા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળે તેવી શક્યતા છે.
અમેરિકાનો દાવો: 'આજે કે કાલે થઈ શકે છે કરાર'
અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા હતા કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ખોલવા અંગે આજે કે કાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઓવલ ઓફિસમાંથી દાવો કર્યો હતો કે ઈરાન સાથે વાતચીત "ચાલુ છે" અને આ ઈરાન માટે કરાર કરવાની "છેલ્લી તક" છે. ઉલ્લેખનીય છે કે, કતર, ઓમાન અને પાકિસ્તાન જેવા દેશો આ વિવાદ ઉકેલવા મધ્યસ્થ તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હોવાનું કતરના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
ઈરાને અમેરિકાનો દાવો ફગાવ્યો, ઓમાન સાથે વાતચીત જારી
અમેરિકાના દાવાઓથી વિપરીત ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની અમેરિકા સાથે સીધી કોઈ નવી વાટાઘાટો ચાલી રહી નથી કે આવી કોઈ બેઠકનું આયોજન પણ નહોતું. જોકે, ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝની ખાડીમાં એક કામચલાઉ 'શિપિંગ કોરિડોર' બનાવવા અંગે ચર્ચા ચાલુ છે. યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયોના જણાવ્યા મુજબ, હાલનો પ્રાથમિક હેતુ વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. પરંતુ, ઈરાન દ્વારા જહાજો પર ટોલ કે ટેક્સ (શુલ્ક) વસૂલવાની શરત સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો હોવાથી હજુ આખરી સંમતિ બની શકી નથી.
કેમ મહત્વનું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ ઓઇલ પુરવઠાનો 20% હિસ્સો પસાર થાય છે. ગોલ્ડમેન સાક્સ (Goldman Sachs) ના અહેવાલ મુજબ ગલ્ફ (ખાડી) વિસ્તારમાંથી થતી ઓઇલની નિકાસ સંઘર્ષ શરૂ થયો તે પહેલાંના સ્તર કરતાં ઘટીને માત્ર 36 ટકા જ રહી ગઈ છે (જે જુલાઈની શરૂઆતમાં 80% હતી). છેલ્લા બે અઠવાડિયામાં વૈશ્વિક ઓઇલના સ્ટોકમાં રોજના 6.3 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો છે.
આગામી દિવસોમાં ઓઇલના ભાવ કઈ તરફ જશે?
ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં બ્રેન્ટ ક્રૂડ 80 થી 90 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે ઔપચારિક કરાર થઈ જશે તો ઓઇલના ભાવમાં વધુ નરમાઈ જોવા મળશે. પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે અથવા પ્રદેશમાં ફરીથી સૈન્ય તણાવ વધશે તો ક્રૂડ ઓઇલનો ભાવ ફરીથી 90 ડોલર તરફ સરકી શકે છે.

