Sudan/ ફરીવાર સોનાની ખાણ ધસી, 93નાં મોત; અનેક શ્રમિકો કાટમાળમાં દટાયા

સુદાનમાં ફરી એકવાર સોનાની ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પૂર્વ સુદાનમાં રવિવારે ખાણનો શાફ્ટ (Shaft) અચાનક ધસી પડ્યો હતો. આ ઘટનામાં 11 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અનેક શ્રમિકો હજુ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચાલુ છે. ખાસ વાત એ છે કે છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાની આ બીજી મોટી ઘટના છે. બંને દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 93 લોકોના મોત થયા છે.
તાજેતરની ખાણ દુર્ઘટનામાં 11 શ્રમિકોનાં મોત
પૂર્વ સુદાનના એક વિસ્તારમાં આવેલી સોનાની ખાણમાં રવિવારે અચાનક શાફ્ટ ધસી પડતાં શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં 11 કામદારોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાયું છે. ખાણનો કેટલોક ભાગ ધરાશાયી થતાં ઘણા શ્રમિકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ પણ દુર્ઘટના અને બચાવ કામગીરીની પુષ્ટિ કરી છે.
સાત દિવસ પહેલાં પણ 82 શ્રમિકોનાં મોત
આ દુર્ઘટના પહેલાં સાત દિવસ અગાઉ એટલે કે ગત રવિવારે પણ સુદાનમાં સોનાની ખાણ ધસી પડવાની ગંભીર ઘટના બની હતી. તે સમયે ખાણનો મોટો હિસ્સો ધરાશાયી થતાં 82 શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો. હવે ફરી 11 લોકોનાં મોત થતાં માત્ર સાત દિવસના સમયગાળામાં ખાણ દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 93 પર પહોંચી ગયો છે. બીજી તરફ, તાજેતરની ઘટનામાં હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દુર્ઘટના
આ સોનાની ખાણ આવેલો વિસ્તાર પેરામિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ના નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવે છે. આ સંગઠન છેલ્લા લગભગ ત્રણ વર્ષથી સુદાની સેના સામે ચાલી રહેલા સંઘર્ષમાં સામેલ છે. દેશમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ખાણકામ સાથે જોડાયેલી આવી દુર્ઘટનાઓએ શ્રમિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી છે.

