VIDEO: દક્ષિણ કોરિયામાં સદીના સૌથી મોંઘા છૂટાછેડા; હાઈકોર્ટે બિઝનેસમેનને પૂર્વ પત્નીને ₹8,200 કરોડ ચૂકવવા આદેશ કર્યો
દક્ષિણ કોરિયાના ઉદ્યોગપતિ અને એસકે જૂથના ચેરમેન ચેય તાએ-વોનના છૂટાછેડા ફરી એક વખત ચર્ચામાં છે. દક્ષિણ કોરિયાની કોર્ટે તાએ-વોનને ડાયવોર્સ સેટલમેન્ટમાં ભૂતપૂર્વ પત્નીને 645 મિલિયન ડોલર (અંદાજે રૂ. 8200 કરોડ)થી વધુ રકમ ચૂકવવા આદેશ આપ્યો છે. રો સોહ-યોંગને આ રકમ ચૂકવવા માટે ટેક ઉદ્યોગપતિ તાએ-વોને તેની એસેટ્સ વેચવી પડશે, નાણાં ઉધાર લેવા પડશે અથવા શૅર ગીરવે મુકવા પડશે.
સિયોલ હાઈકોર્ટે શુક્રવારે છૂટાછેડાની સમજૂતીની રકમ ઘટાડીને 944 અબજ વોન કરી દીધી છે. આ રકમ ભારતીય ચલણમાં અંદાજે રૂ. 8200 કરોડ જેટલી થાય છે. એસકે ગૂ્રપમાં તાએ-વોનના શૅરના હિસ્સાના મહત્વને સમજતા હાઈકોર્ટે ઉદ્યોગપતિને શેર ટ્રાન્સફરના બદલે રોકડમાં આ રકમ ચૂકવવા આદેશ કર્યો છે. આ પહેલા 2024માં અપીલ કોર્ટે તાએ-વોનને છૂટાછેડાની સમજૂતીના ભાગરૂપે 1.38 ટ્રિલિયન વોન ચૂકવવા આદેશ આપ્યો હતો.
આ હાઈપ્રોફાઈલ કેસ ઘણા લાંબા સમયથી 'સદીના સૌથી મોંઘા છૂટાછેડા' તરીકે ચર્ચામાં છે. જોકે, આ કેસ હજુ પૂરી રીતે ખતમ થયો નથી. બંને પક્ષ ઈચ્છે તો હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ દક્ષિણ કોરિયાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાઈકોર્ટે સ્વીકાર્યું કે લગ્ન દરમિયાન ચેય તાએ-વોનની કારોબારી ભાગીદારી અને સંપત્તિમાં ઘણો વધારો થયો હતો. સાથે જ રો સોહ-યોંગે પરિવાર, બાળકોના ઉછેર અને સામાજિક જવાબદારીઓ પૂરી કરીને તાએ-વોનની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ આધારે તેમણે ઉદ્યોગપતિ તાએ-વોનને વૈવાહિક સંપત્તિનો એક મોટો હિસ્સો પૂર્વ પત્નીને આપવાનો આદેશ આપ્યો હતો.
સિઓલ હાઈકોર્ટે તાએ-વોન દ્વારા ચૂકવવાની રકમમાં ઘણો મોટો કાપ મૂક્યો છે, આમ છતાં આ ચૂકાદાથી એસકે જૂથમાં તાએ-વોનના હોલ્ડિંગની રોકાણકારોએ તપાસ શરૂ કરી છે અને રો સોહ-યોંગને કેવી રીતે ચૂકવણી કરાશે તે મોટો સવાલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે તાએ-વોને તેની અસ્કયામતો વેચવી પડી શકે છે અથવા તેના શૅર્સ ગીરવે મૂકીને ઉધાર લેવું પડી શકે છે. જોકે, આ ચૂકાદાથી એસકે ગૂ્રપ પર તેના નિયંત્રણ પર કોઈ જોખમ ઊભું થવાની નિષ્ણાતોને અપેક્ષા નથી.
ચેય તાએ-વોન દક્ષિણ કોરિયાના એસકે જૂથના ચેરમેન છે. તેમની કંપની એસકે હીનિક્સને એઆઈ સેક્ટરની વધતી માગથી મોટો ફાયદો થયો છે. કંપનીમાં તેમની કુલ ભાગીદારીની કિંમત 5.5 અબજ ડોલર આંકવામાં આવે છે. ચેય તાએ-વોન અને રો સોહ-યોંગના લગ્ન 1988માં થયા હતા. તેમને ત્રણ સંતાન છે. જોકે, 2017માં કોર્ટમાં છૂટાછેડાની અરજી પછી આ કાયદાકીય વિવાદ સતત વકરી રહ્યો છે.

