VIDEO: દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં ભારે વરસાદમાં ફસાયેલા 170થી વધુ લોકોને બચાવાયા, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું મોટું રેસ્ક્યૂ ઓપરેશન
દક્ષિણ ગુજરાત તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દેવદૂત સાબિત થયું છે. અતિશય પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા 11જેટલા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ઓપરેશન્સ દ્વારા 170થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
હેલિકોપ્ટર અને બોટ દ્વારા એરલિફ્ટ ઓપરેશન
સ્થાનિક વહીવટીતંત્ર અને NDRF/SDRF ની ટીમો સાથે સંકલન સાધીને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ખાસ રેસ્ક્યૂ ટીમો અને સ્પેશિયલ હેલિકોપ્ટર્સ દ્વારા સતત બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. પૂરના પાણીમાં ઘેરાયેલા અને સંપર્કવિહોણા બની ગયેલા વિસ્તારોમાંથી લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વેલસ્સ્પન ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નવસારી અને વલસાડમાં ભારે બચાવ કાર્ય
કોસ્ટ ગાર્ડની ટીમોએ પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો જેવા કે, વેલસ્સ્પન ઈન્ડસ્ટ્રીયલ એરિયા (દમણ/વાપી), નવસારી જિલ્લાના નીચાણવાળા ગામો અને વલસાડ-પારડી સહિતના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વલસાડ અને નવસારીની નદીઓમાં આવેલા ભયાનક પૂરના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાંથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં માત્ર રેસ્ક્યૂ જ નહીં પરંતુ ફસાયેલા લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની કામગીરી પણ સતત ચાલુ છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને કોસ્ટ ગાર્ડની વધુ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

