Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Radioactive steam leak at nuclear plant in Japan, reactor shut down after just four days of operation

જાપાનમાં ન્યુક્લિયર પ્લાન્ટમાં રેડિયોએક્ટિવ સ્ટીમ લીક થતાં ધ્રાસકો, માત્ર ચાર દિવસ પહેલા જ શરૂ થયેલું રિએક્ટર બંધ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
જાપાનમાં ન્યુક્લિયર પ્લાન્ટમાં રેડિયોએક્ટિવ સ્ટીમ લીક થતાં ધ્રાસકો, માત્ર ચાર દિવસ પહેલા જ શરૂ થયેલું રિએક્ટર બંધ
સોર્સ : gstv

જાપાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા મિયાગી પ્રીફેક્ચરમાં ઓનાગાવા ન્યુક્લિયર પાવર સ્ટેશનના નં. 2 રિએક્ટરને અચાનક બંધ કરી દેવાની ફરજ પડી છે. પ્લાન્ટના ટર્બાઇન બિલ્ડિંગની અંદર રેડિયોએક્ટિવ વરાળ (બાષ્પ) જોવા મળતા ઓપરેટર કંપનીએ આ નિર્ણય લીધો છે. તોહોકુ ઇલેક્ટ્રિક પાવર કંપનીએ શુક્રવારે સાંજે આશરે 5:10 વાગ્યે આ ખામી શોધી કાઢી હતી. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ રેડિયોએક્ટિવ વરાળ ખૂબ જ ઓછી માત્રામાં હતી અને તે પર્યાવરણમાં બહાર લીક થઈ નથી. માત્ર તપાસના હેતુથી જ રિએક્ટરને અટકાવવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીએ શુક્રવારે રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ સાથે આ ઘટનાને કોઈ લેવાદેવા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

App Store

માત્ર ચાર દિવસ પહેલા જ શરૂ થયું હતું રિએક્ટર

આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કારણ કે આ નં. 2 રિએક્ટર નિયમિત તપાસ માટે લાંબા સમયથી બંધ હતું અને તેને આ સોમવારે જ ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. આગામી 9 જૂનથી આ પ્લાન્ટમાંથી વ્યાપારી ધોરણે વીજળીનું ઉત્પાદન શરૂ થવાનું હતું, પરંતુ તે પહેલા જ આ ખામી સામે આવી છે.

આ ઓનાગાવા પ્લાન્ટ માર્ચ 2011માં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામી બાદથી બંધ હતો અને નવેમ્બર 2024માં તેને પહેલીવાર ફરીથી વીજ ઉત્પાદન માટે શરૂ કરાયો હતો. આ પ્લાન્ટના ત્રણેય રિએક્ટર ફુકુશિમા દાઇચી ન્યુક્લિયર પ્લાન્ટ જેવા જ 'બોઇલિંગ વોટર' પ્રકારના છે, જ્યાં 2011માં દેશની સૌથી ભયાનક પરમાણુ હોનારત સર્જાઈ હતી.

મિહામા ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ સર્જાઈ હતી લીકેજની ઘટના

જાપાનમાં પરમાણુ પ્લાન્ટમાં લીકેજની આ કંઈ પહેલી ઘટના નથી. આ પહેલા 8 મેની સવારે સેન્ટ્રલ જાપાનના ફુકુઇ પ્રીફેક્ચરમાં આવેલા મિહામા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નં. 3 રિએક્ટરમાં પણ વરાળ લીક થવાની ઘટના સામે આવી હતી. હાઇ-પ્રેશર ટર્બાઇન પાસે વરાળ લીક થતાં જ સવારે 4:10 વાગ્યે એલર્ટ જાહેર કરાયું હતું અને 15 મિનિટમાં જ રિએક્ટરને મેન્યુઅલી (હાથથી) બંધ કરી દેવાયું હતું.

જોકે, કન્સાઇ ઇલેક્ટ્રિક પાવર કંપનીના જણાવ્યા અનુસાર, મિહામા પ્લાન્ટની વરાળમાં કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ નહોતો અને બહારના પર્યાવરણ પર તેની કોઈ અસર થઈ નથી. મિહામાનું આ રિએક્ટર 1976થી કાર્યરત છે અને ફુકુશિમા હોનારત બાદ બંધ રહ્યા પછી 2021માં ફરી શરૂ થયું હતું.

વીજ પુરવઠા પર મોટી અસરની આશંકા

ઓનાગાવા પ્લાન્ટનું આ નં. 2 રિએક્ટર 8,25,000 કિલોવોટની ક્ષમતા ધરાવે છે. તોહોકુ ઇલેક્ટ્રિક કંપનીના અંદાજ મુજબ, જો આ રિએક્ટર તેની ક્ષમતાના 70 ટકા પર પણ 1 વર્ષ સુધી સતત ચાલે, તો તેમાંથી આશરે 16.2 લાખ ઘરોની વીજળીની જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે. આવામાં વ્યવસાયિક કામગીરી શરૂ થાય તે પહેલા જ આ ટેક્નિકલ ખામી સર્જાતા અને ઉપકરણોની તપાસ માટે પ્લાન્ટ બંધ કરવો પડતા આગામી દિવસોમાં વીજ પુરવઠા પર તેની મોટી અસર જોવા મળી શકે છે.