Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : questions Trump, Zelensky's leadership, annoyed by attack on Russia

VIDEO: 'હવે યુક્રેનને નવા રાષ્ટ્રપતિની જરૂર...', રશિયા પર હુમલાથી નારાજ ટ્રમ્પ, ઝેલેન્સ્કીના નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સામે ફરી આક્રમક વલણ અપનાવ્યું છે. રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર યુક્રેન દ્વારા કરવામાં આવતા સતત હુમલાઓથી નારાજ ટ્રમ્પે કહ્યું છે કે હવે યુક્રેનને નવો રાષ્ટ્રપતિ મળવાનો સમય આવી ગયો છે. ટ્રમ્પનું માનવું છે કે યુક્રેનના નેતૃત્વમાં એવો વ્યક્તિ હોવો જોઈએ, જે રશિયા સાથે વધુ સારી રીતે સમજૂતી કરી શકે અને યુદ્ધનો અંત લાવવાની દિશામાં આગળ વધી શકે. બીજી તરફ, ઝેલેન્સ્કી રશિયા પાસેથી અમેરિકાની તેલ ખરીદવાની યોજના સામે વાંધો ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે.

App Store

રશિયન રિફાઇનરીઓ પર હુમલા બંધ કરવા ટ્રમ્પની ચેતવણી

શનિવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવવાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે યુક્રેનને આવા હુમલા બંધ કરવાની અપીલ કરી હતી. ટ્રમ્પના મતે, આ પ્રકારના હુમલાઓથી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને નુકસાન થઈ શકે છે.

'એક્સિયોસ'ના અહેવાલ અનુસાર, ટ્રમ્પ સતત ઝેલેન્સ્કીને રશિયાની તેલ રિફાઇનરીઓ પર હુમલા ન કરવા માટે કહી રહ્યા છે. જોકે, યુક્રેન છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે બંને દેશો વચ્ચેના મતભેદો વધુ ઘેરા બન્યા છે.

રશિયા પાસેથી તેલ ખરીદવાના ટ્રમ્પના નિર્ણયથી ઝેલેન્સ્કી નારાજ

ટ્રમ્પે રશિયા સાથે ઊર્જા ક્ષેત્રે સમજૂતી કરવાની વાત કરી છે. અહેવાલ મુજબ, અમેરિકા રશિયા પાસેથી મોટી માત્રામાં ડીઝલ ખરીદવા અને વૈશ્વિક બજારમાં રશિયન તેલના વેચાણ સામે વાંધો ન ઉઠાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ઝેલેન્સ્કીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે જો અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદશે, તો મોસ્કોને યુદ્ધ ચાલુ રાખવા માટે વધારાના નાણાં મળી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિના મતે, રશિયાની આવક વધારતા નિર્ણયો યુદ્ધનો અંત લાવવાની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવી શકે છે.

અમેરિકાને રશિયન ડીઝલની જરૂર કેમ પડી?

ટ્રમ્પ માટે વૈશ્વિક બજારમાં વધતી ઊર્જા કિંમતો મોટો પડકાર બની રહી છે. અમેરિકામાં માલસામાનની હેરફેર માટે ટ્રકોનો મોટા પાયે ઉપયોગ થાય છે, જેના કારણે ડીઝલની કિંમત પરિવહન ખર્ચ અને મોંઘવારી પર સીધી અસર કરે છે. તેલના પુરવઠામાં વિક્ષેપ અને હોર્મુઝની સામુદ્રધુની સંબંધિત તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ઊર્જા બજાર પર દબાણ વધવાની ચિંતા છે.

આ ઉપરાંત, ટ્રમ્પને મધ્યસત્ર ચૂંટણીનો પણ સામનો કરવાનો છે. તેથી પેટ્રોલિયમ અને ડીઝલના ભાવમાં વધારો અમેરિકાના અર્થતંત્ર અને રાજકીય સ્થિતિ બંને માટે પડકાર બની શકે છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વેનેઝુએલાના તેલનો વિકલ્પ હોવા છતાં તેને જરૂરી પ્રમાણમાં રિફાઇન કરવાની ક્ષમતાનો પ્રશ્ન અમેરિકાની સામે છે. આવી સ્થિતિમાં રશિયન ડીઝલનો પુરવઠો અમેરિકાના હિતમાં હોઈ શકે છે.

ઝેલેન્સ્કીએ મૂકી શરત, ટ્રમ્પે હુમલા રોકવા દબાણ કર્યું

યુક્રેનને આશંકા છે કે રશિયાની તેલ રિફાઇનરીઓ પર હુમલા રોકવાથી મોસ્કોની ઊર્જા આવક અને યુદ્ધ ચલાવવાની ક્ષમતા જળવાઈ રહેશે. તેથી ઝેલેન્સ્કી રશિયાની તેલ પુરવઠા વ્યવસ્થાને નુકસાન પહોંચાડીને તેની આવક ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.

અહેવાલ મુજબ, ટ્રમ્પે પોતાના પ્રતિનિધિઓ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ મારફતે ઝેલેન્સ્કીને રશિયા પરના હુમલા રોકવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં ઝેલેન્સ્કીએ શરત મૂકી હતી કે રશિયાએ પણ યુક્રેનના વીજળી માળખા પર હુમલા ન કરવાની ખાતરી આપવી જોઈએ. જોકે, ટ્રમ્પે યુક્રેનને હુમલા રોકવા માટે દબાણ કર્યું હોવાનું જણાવાયું છે. બંને પક્ષો વચ્ચે આ મુદ્દે સહમતિ ન બનતાં સમજૂતીની શક્યતાઓ સામે પ્રશ્નો ઊભા થયા છે.

યુદ્ધ વચ્ચે અમેરિકા-યુક્રેનના સંબંધોમાં નવો વળાંક

ટ્રમ્પનું નિવેદન દર્શાવે છે કે તેઓ રશિયા સાથે સમજૂતી અને ઊર્જા પુરવઠાને પ્રાથમિકતા આપવા માગે છે, જ્યારે ઝેલેન્સ્કી રશિયાની આર્થિક તથા સૈન્ય ક્ષમતાને નબળી પાડવાના પક્ષમાં છે. બંને દેશોના હિતો વચ્ચેનો આ ટકરાવ યુક્રેન-રશિયા યુદ્ધના ભવિષ્ય પર અસર કરી શકે છે. જોકે, યુક્રેનમાં નવા રાષ્ટ્રપતિ અંગે ટ્રમ્પની ટિપ્પણી રાજકીય દબાણનો ભાગ છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટા ફેરફારનો સંકેત, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.