'હવે વિવાદોથી મારો કોઈ સંબંધ નહીં', ‘હૈવાન’ બાદ અક્ષય કુમારના ફેને છોડ્યું ફેન્ડમ, પત્ર લખીને કહ્યું-

બોલિવૂડના ખેલાડી કુમાર તરીકે જાણીતા અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) લાંબા સમયથી મોટી ફેન ફોલોઇંગ રહી છે. તેમની એક્ટિંગ, એક્શન અને અલગ-અલગ પ્રકારના પાત્રોને કારણે વર્ષોથી મોટી સંખ્યામાં લોકો તેમને પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ અક્ષય કુમારના નામે અનેક ફેન એકાઉન્ટ જોવા મળે છે. જોકે, હવે તેમના એક એવા ફેનનો પત્ર ચર્ચામાં આવ્યો છે, જેણે અક્ષય કુમારનું ફેન્ડમ (Fandom) છોડવાની જાહેરાત કરી છે.
અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હૈવાન’ (Haiwaan)ના બોક્સ ઓફિસ પરના નબળા પ્રદર્શન વચ્ચે એક ફેને લાંબો પત્ર લખીને જણાવ્યું છે કે હવે તે અક્ષય કુમારના ફેન્ડમનો ભાગ નહીં રહે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે અભિનેતા પ્રત્યે તેનો પ્રેમ, સન્માન અને પ્રશંસા ઓછી થઈ નથી.
ફેને પત્રમાં શું કહ્યું?
કપિલ નામના એક સોશિયલ મીડિયા યુઝરે પોતાના એકાઉન્ટનું નામ ‘I AK સેવિયર’ રાખ્યું છે. તેના હજારો ફોલોઅર્સ છે. આ ફેને શેર કરેલો પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
પત્રમાં તેણે જણાવ્યું કે ખૂબ જ દુઃખ સાથે, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ મનથી તે અક્ષય કુમારના ફેન્ડમમાંથી પાછળ હટી રહ્યો છે. તેણે કહ્યું કે આ નિર્ણય અભિનેતા પ્રત્યેના તેના પ્રેમ, સન્માન કે પ્રશંસામાં કોઈ ફેરફાર થયો હોવાના કારણે નથી. પરંતુ હવે તેને લાગે છે કે પોતાની જિંદગી, પ્રાથમિકતાઓ (Priorities) અને માનસિક શાંતિ (Mental Peace) પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.
ફેને લખ્યું કે અક્ષય કુમારે વર્ષોથી તેને ઘણી ખુશીઓ, પ્રેરણા અને યાદગાર પળો આપી છે. તેના માટે અક્ષય માત્ર એક સ્ટાર નથી, પરંતુ પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. અભિનેતાની સફર, સંઘર્ષ અને ક્યારેય હાર ન માનવાની ભાવના તેને હંમેશા પ્રેરિત કરતી રહી છે.

વિવાદો અને નેગેટિવ ચર્ચાથી દૂર રહેશે
ફેને આગળ સ્પષ્ટ કર્યું કે હવે અક્ષય કુમાર સાથે જોડાયેલી કોઈપણ નેગેટિવ સ્થિતિ (Negative Situation), વિવાદ (Controversy) કે બિનજરૂરી ચર્ચાનો તે ભાગ બનવા માંગતો નથી. તેણે કહ્યું કે આગળથી તેનું ધ્યાન પોતાની જિંદગી અને પોતાના ભવિષ્ય પર રહેશે.
જોકે, ફેને અક્ષય કુમારને સંપૂર્ણપણે છોડ્યા નથી. તેણે જણાવ્યું કે તે ભલે ફેન્ડમ છોડી રહ્યો હોય, પરંતુ જીવનની છેલ્લી ઘડી સુધી અક્ષય કુમારનો ફેન રહેશે. તે અભિનેતાને સપોર્ટ (Support) કરતો રહેશે અને તેમના માટે હંમેશા સારા સમયની આશા રાખશે.
અક્ષયનું ‘બેસ્ટ વર્ઝન’ જોવા માંગે છે ફેન
પત્રના અંતમાં ફેને અક્ષય કુમાર માટે શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું કે તે અભિનેતાનું વધુ સારું, ખુશહાલ અને સફળ વર્ઝન (Best Version) જોવા માંગે છે. અક્ષય કુમાર દુનિયાભરનો પ્રેમ, સન્માન અને ખુશીઓ મેળવવાને લાયક છે, એવું પણ ફેને લખ્યું.
‘હૈવાન’ના પ્રદર્શન બાદ પત્ર ચર્ચામાં
અક્ષય કુમારના ફેનનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેમની ફિલ્મ ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. ફિલ્મની રિલીઝ પહેલાં તેને લઈને દર્શકોમાં ખાસ ઉત્સુકતા હતી. જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શન (Priyadarshan) ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા હતા, જ્યારે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી લગભગ 18 વર્ષ બાદ ફરી સ્ક્રીન પર જોવા મળી હતી.
ફિલ્મમાં અક્ષય કુમાર અત્યાર સુધીના સૌથી ખતરનાક અને નેગેટિવ પાત્રોમાંથી એક ભજવશે તેવી ચર્ચા હતી. જોકે, ફિલ્મ જોયા બાદ કેટલાક દર્શકો નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અક્ષય કુમારના પાત્રને લઈને સવાલો ઉઠ્યા હતા.
અગાઉ પણ વિલન બની ચૂક્યા છે બોલિવૂડના હીરો
હિન્દી સિનેમામાં અનેક મોટા હીરો નેગેટિવ પાત્રોમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે. શાહરૂખ ખાને ‘ડર’, ‘બાઝીગર’ અને ‘અંજામ’ જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા. જ્યારે ‘પદ્માવત’માં રણવીર સિંહના લુક અને પાત્રે પણ દર્શકોમાં ડર ઊભો કર્યો હતો.
જોકે, ‘હૈવાન’માં અક્ષય કુમારનું પાત્ર દર્શકો પર તેવી અસર છોડી શક્યું નથી, તેવી ચર્ચા થઈ રહી છે. કેટલાક ચાહકોએ અભિનેતાની ફિલ્મ પસંદગી (Film Selection) પર પણ સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્લોપ ફિલ્મોની યાદી
અક્ષય કુમારની છેલ્લા કેટલાક વર્ષોની ફિલ્મોની વાત કરીએ તો ‘સેલ્ફી’, ‘મિશન રાનીગંજ’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘ખેલ ખેલ મેં’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સ્કાય ફોર્સ’ અને હવે ‘હૈવાન’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નથી.
અક્ષય કુમારના કેટલાક ચાહકોનું માનવું છે કે અભિનેતાએ હવે ફિલ્મોની સ્ક્રિપ્ટ અને પાત્રોની પસંદગી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. બીજી તરફ, આ ફેને ફેન્ડમથી દૂર થવાનો નિર્ણય લીધો હોવા છતાં અક્ષય કુમાર પ્રત્યે પોતાનો સન્માન અને સમર્થન યથાવત્ રાખ્યું છે.

