Pakistan news: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ, 9 લોકોનાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત

Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનમાં અસ્થિર રાજકીય સ્થિતિ, મોંઘવારી, વીજળી, શાકભાજી-ફળોના સતત વધતા ભાવ વચ્ચે સિંધ પ્રાંતમાં આવેલી હંગામી ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં 9 લોકોનાં મોત થયા હતા જ્યારે સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. શનિવારે રાત્રે હૈદ્રાબાદ શહેરના લતીફાબાદ ક્ષેત્રમાં લાયસન્સ ધરાવતી ફટાકડા ફેકટરીના યુનિટમાં વિસ્ફોટ થયો હતો.
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ
પાકિસ્તાનમાં આવેલા હૈદ્રાબાદના લતીફાબાદ પોલીસ સ્ટેશન નજીક લગરી ગોથ નદીના કિનારે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. મળતી માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. શનિવારે રાત્રે થયેલા વિસ્ફોટ બાદ એક ઘરનો એક ભાગ ધરાશાયી થયો હતો, અને કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ બચાવ કામગીરી પૂર્ણ થયા પછી જ જાણી શકાશે. તેમણે અહેવાલ આપ્યો હતો કે એક રૂમનો કાટમાળ દિવાલ સાથે તૂટી પડ્યો હતો, જેમાં કેટલાક કામદારો અને બાળકો અંદર ફસાયા હતા; તેઓ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર હતી
લતીફાબાદના થયેલા વિસ્ફોટ બાદ સરકારી તંત્રએ જણાવ્યું કે, આ ફટાકડા ફેકટરી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. ફટાકડા ફેક્ટરી માલિકને લાઈસન્સ આપવામાં આવેલું હતું. છતાં વિસ્ફોટ બાદ ફેકટરીનો માલિક ફરાર છે અને ફેક્ટરીના લાઇસન્સ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા છમાંથી ત્રણ લોકો 98 ટકા બળી ગયા હતા અને તેમની હાલત ગંભીર છે. આ વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના કરાચીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આવા જ વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે રહેણાંક વિસ્તારમાં ફેક્ટરીના ગેરકાયદેસર સંચાલનની તપાસના આદેશ આપ્યા હતા.

