નેપાળમાં અત્યાર સુધીમાં 600થી વધુ મોત, 1900 લોકો લાપતા, ફરી વિનાશક પૂરનું જોખમ

નેપાળ-તિબ્બત સરહદી ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાને કારણે આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનથી હિમાલયી વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. નેપાળ અને તિબ્બત બંને વિસ્તારોમાં મળીને અત્યાર સુધીમાં 600 લોકોના મોત થયા છે, જ્યારે બંને દેશોમાંથી કુલ 1900 લોકો હજુ પણ ગુમ છે. નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ માત્ર નેપાળમાં મૃત્યુઆંક વધીને 579 પર પહોંચ્યો છે. આ કુદરતી હોનારતમાં ભારતના 320 નાગરિકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી, જેમની શોધખોળ માટે ભારતીય દૂતાવાસ અને સ્થાનિક વહીવટીતંત્ર સતત પ્રયાસ કરી રહ્યા છે.
ફરી વિનાશક પૂર આવવાનું જોખમ
હિમાલયમાં અચાનક ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડતાં બરફ, પથ્થર, માટી અને પાણીનો ભારે પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો હતો. કાઠમંડુ અને લ્હાસાને જોડતા આ મુખ્ય માર્ગ પર આવેલા ગામડાં, રસ્તાઓ, પુલ અને પાવર સ્ટેશનો જોતજોતામાં તણાઈ ગયા હતા. ભૂસ્તરશાસ્ત્રીય તપાસ મુજબ, શરૂઆતમાં જે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ મનાતો હતો તે વાસ્તવમાં ગ્લેશિયર તૂટવાથી પેદા થયેલી ઊર્જા હતી. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ અનુસાર, રસુવાગઢી સરહદથી લગભગ 18 કિલોમીટર ઉપર લેન્ડે નદીનું વહેણ કાટમાળથી સંપૂર્ણ બંધ થઈ ગયું છે અને ત્યાં કામચલાઉ સરોવર બની ગયું છે. નેપાળ-ચીન સરહદે ભૂસ્ખલનથી બનેલું આ કુદરતી સરોવર ઓવરફ્લો થવા લાગતાં ફરી એકવાર વિનાશક પૂર આવવાની દહેશત ફેલાઈ છે, જેના કારણે બચાવ કામગીરી પણ થોડા સમય માટે અટકાવવી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ભારે જોખમ હોવાથી સેન્સર અને કેમેરા દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
400થી વધુ કન્ટેનર ટ્રક તણાયા અને વિસ્તારો વેરાન બન્યા
રસુવા સ્થિત ભોટેકોશી અને ત્રિશૂલી નદી કોરિડોરમાં આવેલા પૂરમાં કન્ટેનર પરિવહન વ્યવસાયને ભારે ફટકો પડ્યો છે. તહેવારો માટે માલસામાન લેવા રસુવાગઢી-કેરુંગ નાકા પર પહોંચેલા 400થી વધુ કન્ટેનર ટ્રક પૂરમાં વહી ગયા છે. નેપાળ ટ્રક કન્ટેનર વ્યવસાયી સંઘ મુજબ, 400થી વધુ ડ્રાઈવરો ઉપરાંત ક્લીનર, મજૂરો અને કસ્ટમ એજન્ટો સહિત 1000થી વધુ લોકો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શકતો નથી. ભોટેકોશી અને ત્રિશૂલી નદી કિનારે આવેલા રસુવાગઢી, ટિમુરે અને ત્રિશૂલી બજાર જેવા ધમધમતા વિસ્તારો કાટમાળ અને કાદવ નીચે દબાઈને સંપૂર્ણ વેરાન બની ગયા છે. કાઠમંડુમાં હાઈવે સુમસામ બન્યા છે અને ડ્રાઈવરો બંધ ચેકપોસ્ટ પર ફસાયેલા છે. ત્રિશૂલી વિસ્તારમાં બચી ગયેલા લોકોની શોધખોળ માટે ભારે મશીનરી કામે લગાડવામાં આવી છે.
320 ભારતીય નાગરિકો હજુ પણ સંપર્કમાં નહીં
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલ (Randhir Jaiswal) ના જણાવ્યા અનુસાર, 320 ભારતીય નાગરિકો ઉપરાંત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 100 લોકો પણ સંપર્કવિહોણા છે, જેઓ કૈલાશ માનસરોવર યાત્રા કે ટ્રેકિંગ માટે ગયા હોવાનું માનવામાં આવે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ ઘણો મોટો પહાડી વિસ્તાર છે અને ભૂસ્ખલનને કારણે લોકો જે રસ્તો અનુકૂળ મળે ત્યાંથી બહાર નીકળી રહ્યા છે. ચીન તરફ તિબ્બત ક્ષેત્રમાં રહેલા 400 જેટલા ભારતીયો સુરક્ષિત છે, જેમાંથી 96 ભારતીયો અગાઉ ચીન તરફથી જમીન માર્ગે નેપાળમાં પ્રવેશ્યા હતા અને 149 ભારતીયો ત્યારબાદ પહોંચ્યા છે. બીજી તરફ, તમિલનાડુના 21 નાગરિકોને નેપાળી સેના દ્વારા સુરક્ષિત બચાવીને દિલ્હી પહોંચાડી દેવાયા છે. ત્રિશૂલી વન હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 63 ભારતીયો સહિત કુલ 350 કામદારો અને કર્મચારીઓને સેનાએ સલામત રીતે બહાર કાઢી લીધા છે.
ભારત અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રાહત સામગ્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ (Balen Shah) સાથે વાતચીત કરીને સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર (S. Jaishankar)ના જણાવ્યા મુજબ, ભારતે ત્રણ વિશેષ વિમાનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 60 ટન માનવીય સહાય મોકલી છે. જેમાં ટેન્ટ, ધાબળા, સોલર લેમ્પ, વોટર પ્યુરિફાયર, દવાઓ, ખાદ્ય સામગ્રી અને પંપ સામેલ છે. ભારત તરફથી 11 તબીબો અને પેરામેડિક્સની વિશેષ મેડિકલ ટીમ, ટનલ બચાવ કામગીરી માટે નિષ્ણાતોની ટીમ તેમજ તૂટેલા માર્ગો પર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બેઈલી બ્રિજની તકનીકી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UNICEF) દ્વારા પણ નુવાકોટ જિલ્લામાં હાઇજીન કિટ્સ અને આવશ્યક રાહત સામગ્રી ટ્રકો મારફતે પહોંચાડવામાં આવી રહી છે.

