હવે AI જ કરશે સાયબર હુમલા? દુનિયાના પહેલા એઆઈ રન રેન્સમવેર એટેકનો થયો ખુલાસો

સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની Sysdigના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, JadePuffer નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની તપાસ કરી, તેમાં રહેલી સિક્યોરિટી ખામીઓ શોધી, લોગિન ક્રેડેન્શિયલ્સ મેળવ્યાં, નેટવર્કમાં આગળ વધ્યું અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે જો કોઈ તબક્કે તેને અવરોધ મળ્યો, તો તેણે તરત જ નવી રીત અપનાવી અને હુમલો ચાલુ રાખ્યો.
સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારના છયીહૌબ એઆઈ અને સામાન્ય એઆઈ વચ્ચે મોટો તફાવત છે. સામાન્ય એઆઈ યુઝર્સના પ્રશ્નોના જવાબ આપે છે અથવા સૂચના મુજબ કામ કરે છે, જ્યારે Agentic એઆઈ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને પોતે નિર્ણય લઈ શકે છે. તે એક પછી એક અનેક સ્ટેપ્સ પૂરા કરી શકે છે. આ કારણે આવા એઆઈનો ઉપયોગ સાયબર હુમલાઓમાં થવા લાગશે તો હેકિંગ વધુ ઝડપથી અને મોટા પાયે થશે.
આ ઘટના પછી સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર હુમલા કરી શકે છે. તેથી કંપનીઓએ મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA), સમયસર સોફ્ટવેર અપડેટ્સ, નિયમિત બેકઅપ, ક્લાઉડ સિક્યોરિટી અને AI આધારિત ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

