VIDEO: નેપાળે વિદેશી મદદ ક્યારેય નકારી નથી, ભ્રામક પ્રચાર ન કરો; PM બાલેન શાહની સ્પષ્ટતા
Nepal Flash Flood News : વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી ઝૂઝી રહેલા નેપાળમાં વિદેશી મદદ સ્વીકારવા અંગે ઉભા થયેલા વિવાદો વચ્ચે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી શિશિર ખનાલ અને વડાપ્રધાન બાલેન શાહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નેપાળે કોઈ મિત્ર દેશ કે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ લેવાની ક્યારેય ના પાડી નથી. શનિવાર સુધીના આંકડા મુજબ આ ભયાનક આપત્તિમાં 587થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 1900થી વધુ લોકો હજુ પણ પહાડી વિસ્તારો તથા ટનલોમાં કાટમાળ નીચે ફસાયેલા કે ગુમ છે.
શરૂઆતી તબક્કામાં સ્થાનિક દળોને શા માટે અપાઈ પ્રાથમિકતા?
નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, દુર્ગમ પહાડી વિસ્તારો અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિથી નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ બળના જવાનો વધુ સારી રીતે પરિચિત છે. અજાણ્યા અને જોખમી ઇલાકાઓમાં સીધા વિદેશી દળોને ઉતારવાથી તાલમેલ અને ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થવાનું જોખમ હતું. આથી પ્રારંભિક તબક્કામાં બચાવ કામગીરી ઝડપી બનાવવા પોતાના 15,000થી વધુ સ્થાનિક સુરક્ષા દળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
DNA ટેસ્ટિંગ અને ટનલ રેસ્ક્યૂમાં લેવાશે મદદ
શરૂઆતમાં 'પોતાના બળે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવાના' દાવો કર્યા બાદ, આપત્તિની ભયાનકતા અને વિદેશી નાગરિકો ગુમ થવાથી અન્ય દેશોનું રાજદ્વારી દબાણ વધતાં નેપાળે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની અંધારી ટનલોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા, મૃતદેહોના ફોરેન્સિક એનાલિસિસ અને DNA ટેસ્ટિંગ જેવા વિશેષ ટેકનિકલ ક્ષેત્રોમાં હવે નેપાળ મર્યાદિત આંતરરાષ્ટ્રીય મદદ લેવા તૈયાર થયું છે.
ભારત અને ચીન પાસે મદદ માંગી
પૂરના પાણીમાં રસુવા અને નુવાકોટ જિલ્લાના ત્રણ ડઝનથી વધુ પુલો વહી જતાં સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ માર્ગોને તાત્કાલિક ફરી ધબકતા કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 'બેલી બ્રિજ' (ઝડપથી તૈયાર થતા અસ્થાયી પુલ) બાંધવા માટે વિનંતી કરી છે.
ભારતે તરત જ બતાવ્યું ઉદાર દિલ
નેપાળની હાકલ પડતાં જ ભારતે તાત્કાલિક સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 57.5 ટનથી વધુ રાહત સામગ્રીની ત્રણ ખેપ એરફોર્સના વિમાનો મારફતે કાઠમંડુ પહોંચાડી છે. આ સિવાય ટનલ રેસ્ક્યૂ માટે નિષ્ણાતોની ટીમ, 11 સભ્યોની તબીબી ટુકડી અને બેલી બ્રિજ નિર્માણ માટેની વિશિષ્ટ ટેકનિકલ ટીમો પણ રવાના કરી દીધી છે.

