VIDEO: નેપાળમાં તબાહીના 13મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર, 1340થી વધુ મોત, 5000થી વધુ હજુ ગુમ
નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારતને સોમવારે 13 દિવસ પૂરા થયા છે, જેણે હજારો પરિવારના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે. 26 ઑગસ્ટે આવેલા અચાનક પૂરમાં અત્યાર સુધીમાં 1 હજાર 340થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે આશરે 5 હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનાના 13મા દિવસે સમગ્ર નેપાળમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. નેપાળ સરકારે 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. સરકારી કચેરીઓથી લઈને વિદેશમાં આવેલા નેપાળી દૂતાવાસ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. હિન્દુ પરંપરામાં નિધન બાદ 13મો દિવસ શોક માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ પૂરની અસર રસૂવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ સહિતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કાંઠે ભારે વિનાશ સર્જાયો હતો. આ હોનારતમાં 32 હજારથી વધુ પરિવાર વિસ્થાપિત થયા છે અને આશરે 7 હજાર 500 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આ સિવાય હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને સરકારી ઇમારતો ધ્વસ્ત થઈ ગયા છે.

