VIDEO: નેપાળમાં પ્રલય બાદ ધબકતું થયું ત્રિશુલી બજાર કાદવ-કાટમાળ વચ્ચે વેપારીઓએ પુનઃ શરૂ કરી દુકાનો!
નેપાળમાં પ્રલય બાદ ધબકતું થયું ત્રિશુલી બજાર
કાદવ-કાટમાળ વચ્ચે વેપારીઓએ પુનઃ શરૂ કરી દુકાનો!
નુવાકોટમાં જિંદગી ફરી પાટા પર!
નેપાળના નુવાકોટ જિલ્લામાં પૂરની ભયાનક આફત બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. ત્રિશુલી બજાર સહિતના પૂર પ્રભાવિત વિસ્તારોમાં તારાજી સર્જાયા બાદ સ્થાનિક વેપારીઓએ હવે પોતાની દુકાનો પુનઃ શરૂ કરી દીધી છે. બજારના માર્ગો અને દુકાનોમાં ભરાયેલા કાદવ-કાટમાળને હટાવવાની કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે વેપારીઓ અને સ્થાનિકો જિંદગીને પાટા પર લાવવા અથાક પ્રયાસો કરી રહ્યા છે.નુવાકોટના વેપારી મથક એવા ત્રિશુલી બજારમાં પૂર ઓસરતાં જ સફાઈ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો, સુરક્ષા દળો અને બચાવ ટીમો સાથે મળીને ક્ષતિગ્રસ્ત બજારોમાંથી કાદવ દૂર કરી રહી છે. દુકાનો ખૂલતાં જ વિસ્તારમાં રોજીંદી ચહલપહલ જોવા મળી રહી છે, જે આફતમાંથી બેઠા થઈ રહેલા નુવાકોટવાસીઓની અદમ્ય સહનશીલતા અને હિંમતની સાક્ષી પૂરે છે.
પૂરની આફત સામે અડિખમ સ્થાનિક!
નુવાકોટથી ગર્ભવતી મહિલાને હેલિકોપ્ટર મારફતે કાઠમંડુ એરલિફ્ટ કરાઈ!
આ ભારે કટોકટી વચ્ચે એક ભાવુક અને મહત્ત્વપૂર્ણ રાહત સમાચાર પણ સામે આવ્યા છે. પૂરગ્રસ્ત નુવાકોટમાં તબીબી સુવિધાઓ ખોરવાઈ જતાં એક ગર્ભવતી મહિલાને ઈમરજન્સી એરલિફ્ટ કરવામાં આવી હતી. નેપાળી સેના દ્વારા હેલિકોપ્ટર મારફતે આ મહિલાને વધુ સારી તબીબી સારવાર માટે કાઠમંડુ લાવવામાં આવી હતી. આ સમયસૂચકતાને કારણે સગર્ભા મહિલાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે. હાલ નુવાકોટમાં રાહત, પુનઃવસન અને સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન અને સેનાના જવાનો રસ્તાઓ સાફ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને અસરગ્રસ્તો સુધી આવશ્યક સાધન-સામગ્રી પહોંચાડવા સતત કાર્યરત છે. નુવાકોટવાસીઓ ધીરે ધીરે આ કુદરતી આફતના ડર માંથી બહાર આવીને સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

