6 વર્ષ બાદ ચીન અને અમેરિકા વચ્ચે મુલાકાત, જાણો બંન્ને નેતાઓમાં શું થઈ વાત
મહાસત્તા ગણાતા અમેરિકા અને ચીન બન્ને દેશોના વડાઓએ એકબીજા સાથે હા

મહાસત્તા ગણાતા અમેરિકા અને ચીન બન્ને દેશોના વડાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે અને શાંતિ સ્થાપિત કરવાના વચનો આપ્યા છે. દક્ષિણ કોરિયાનાં પ્રખ્યાત રિસોર્ટ બુસાનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી. જિનપિંગ વચ્ચે આ મહત્વની બેઠક યોજાઇ હતી. જે બાદ ચીન અને અમેરિકા એકબીજા પ્રત્યે નરમ પડયા હતા. એક તરફ અમેરિકાએ ચીન પર લાદેલો ટેરિફ ઘટાડી દીધો હતો જ્યારે બીજી તરફ ચીને અમેરિકાના સોયાબીનની ખરીદી માટે સંમતિ દર્શાવી છે.
ટ્રમ્પે ચીન પરનો ટેરિફ ઘટાડ્યો
મંત્રણાના પ્રારંભે ચીનના પ્રમુખ જિનપિંગ સાથે હાથ મીલાવતા કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમે આ મીટિંગ સફળ બનાવીને જ રહીશું. તેઓ (શી) એક કઠોર મંત્રણાકાર છે જે સારુ નથી. પરંતુ અમે પરસ્પર એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. અમારી વચ્ચે ઘણા સારા સંબંધો પણ છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, શીને મળવું તે બહુમાન સમાન છે. તેઓ ઘણા સમયથી મારા મિત્ર રહ્યા છે. અમે ઘણી બાબતોએ સંમત છીએ. પ્રમુખ શી એક મહાન દેશના મહાન નેતા છે. તેઓને મળવું તેજ એક બહુમાન છે. મંત્રણાના અંતે ટ્રમ્પે ચીન પરના 10% ટેરિફ ઘટાડાની પણ જાહેરાત પણ કરી હતી. શીએ પણ આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોઈ કોઈ બાબતમાં વિવાદ ઉપસ્થિત થાય પણ ખરો તે સહજ છે. પરંતુ અમારા સંબંધો સાચા માર્ગે આગળ વધી રહ્યા છે.
6 વર્ષમાં પ્રથમ મુલકાત
શીએ વધુમાં કહ્યું હતું કે, તોફાની પવનો અને મોજાંઓ, પડકારો વચ્ચે તમે અને હું અમેરિકા અને ચીનનું સુકાન સંભાળી રહ્યાં છીએ. ચીનનો વિકાસ પણ તમારા મેઇક અમેરિકા ગ્રેટ અગેઇનનાં પગલે આગળ વધી રહ્યો છે, હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે ચીન અને અમેરિકાએ પાર્ટનર્સ અને મિત્ર તરીકે જ રહેવું જોઇએ. ચીનના સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જાહેરાત કરી છે કે, ચીન અમેરિકા પાસેથી 25 મિલિયન મેટ્રિક ટન અમેરિકન સોયાબીનની ખરીદી કરવા તૈયાર છે. બન્ને દેશો વચ્ચે જે સમજૂતી થઇ છે તેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. બન્ને દેશો વચ્ચે વ્યાપાર સાથે સંકળાયેલા આ કરારો ત્રણ વર્ષ સુધી રહેશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે 6 વર્ષમાં આ પ્રથમ મુલાકાત છે.
બંન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ પૂર્ણ, માત્ર હસ્તાક્ષર બાકી
100 મિનિટ સુધી ચાલેલી આ બે મહાશક્તિની બેઠકમાં મુખ્યત્વે વેપારને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હવેથી અમેરિકા આવનારા ચીનના સામાન પર લાદેલો 57% ટેરિફ ઘટાડીને 47% કરી દેવામાં આવ્યો છે. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન પર લગાવવામાં આવનારા ફેન્ટાનીલ સાથે જોડાયેલા ટેરિફને 20%થી ઘટાડીને 10% કરવામાં આવશે. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ તો અમેરિકાએ ચીન પરનો ટેરિફ 10% ઘટાડયો બીજી તરફ ચીન અમેરિકાની પાસેથી સોયાબીનની ખરીદી કરશે, બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પુરી થઇ ગઇ છે હવે માત્ર સહી કરવાની બાકી છે, ટ્રમ્પે કહ્યું હતું કે, અમારા વિવાદનો ઉકેલ આવી ગયો છે. ટિકટોક ડીલને લઇને હાલ વાતચીતમાં કોઇ જ ઉલ્લેખ નહીં. એપ્રીલ મહિનામાં ચીનની મુલાકાત લેવાની પણ ટ્રમ્પે જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત ચીનને લઇને આક્રમક વલણ અપનાવી ચુક્યા છે. જોકે હવે અચાનક જ તેઓ નરમ પડેલા જોવા મળ્યા છે. બીજી તરફ ચીને પણ નરમ વલણ અપનાવી લીધુ છે.





