Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Khamenei deliberately limited the range of Iranian missiles! His statement went viral after his death

VIDEO: જાણી જોઈને ખામેનીએ ઈરાની મિસાઈલની રેન્જ મર્યાદિત રાખી! મૃત્યુ બાદ તેમનું નિવેદન થયું વાયરલ

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનો એક જૂનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો વર્ષ 2017નો હોવાનું કહેવાય છે, જેમાં ખામેનેઈ ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ નીતિ અંગે એક મહત્વપૂર્ણ વાત કરતા જોવા મળે છે.

App Store

વિડિયોમાં ખામેનેઈ કહે છે કે ઈરાન 2000 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતી મિસાઈલો વિકસાવશે નહીં. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઈરાની વૈજ્ઞાનિકો અને સેના આનાથી પણ વધુ અંતર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઈલો બનાવવા માંગતા હતા, પરંતુ તેમણે પોતે જ આના પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો.

4-5 હજાર કિમીની મિસાઈલ બનાવવાની હતી ઈચ્છા

ખામેનેઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના વૈજ્ઞાનિકો અને સેના 4 થી 5 હજાર કિલોમીટરની રેન્જ સુધીની મિસાઈલો બનાવવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તેમણે કહ્યું કે દેશની જરૂરિયાતોને જોતા આટલી લાંબી દૂરીની મિસોઈલ બનાવવી જરૂરી નથી. તેથી જ તેમણે મિસાઈલ કાર્યક્રમને 2000 કિમીની મર્યાદામાં રાખવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના પૂર્વ કમાન્ડર મોહમ્મદ અલી જાફરી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓએ પણ આ નીતિની પુષ્ટિ કરી હતી.

શા માટે 2000 કિમીની મર્યાદા નક્કી કરવામાં આવી હતી?

નિષ્ણાતોના મતે, 2000 કિલોમીટરની રેન્જ ઈરાનની વ્યૂહરચના મુજબ પૂરતી માનવામાં આવતી હતી. આ અંતરમાં ઈઝરાયેલ, મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને પ્રાદેશિક હરીફ દેશો સરળતાથી નિશાના પર આવી જાય છે. પરંતુ આ મર્યાદાને કારણે અમેરિકા જેવા દૂરના સ્થળો ઈરાની મિસાઈલોની પહોંચથી બહાર રહેતા હતા. આ જ કારણ છે કે ઈરાન અવારનવાર પોતાની મિસાઈલ નીતિને 'રક્ષણાત્મક' ગણાવતું રહ્યું છે.

વિદેશ મંત્રીએ પણ આ જ વાત કહી હતી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ તાજેતરમાં કહ્યું હતું કે દેશે જાણી જોઈને મિસાઈલોની રેન્જ 2000 કિલોમીટરથી ઓછી રાખી છે. તેમના મતે આ સીમા ઈરાનની સુરક્ષા જરૂરિયાતો માટે પૂરતી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના અંદાજો પણ દર્શાવે છે કે હાલમાં ઈરાન પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)ની ક્ષમતા નથી.

ખામેનેઈના મૃત્યુ બાદ નવી ચર્ચા

જોકે, ફેબ્રુઆરી 2026 માં અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત સૈન્ય કાર્યવાહી બાદ સ્થિતિ બદલાઈ ગઈ. આ ઓપરેશનમાં ખામેનેઈ સહિત ઈરાનના અનેક ટોચના નેતાઓના મોત થયા હતા. ત્યારબાદ ઈરાનના મિસોઈલ મથકો, ઉત્પાદન સુવિધાઓ અને લોન્ચરો પર મોટા હુમલા થયા. જવાબમાં ઈરાને ઈઝરાયેલ, અમેરિકી મથકો અને ખાડી દેશો પર સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.

શું હવે બદલાઈ શકે છે મિસાઈલ નીતિ?

ખામેનેઈના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા અને કેટલાક ઈરાની સ્ત્રોતોમાં એવી ચર્ચા તેજ બની છે કે હવે મિસોઈલ રેન્જની આ મર્યાદા હટાવી શકાય છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે નવું નેતૃત્વ લાંબી દૂરીની મિસોઈલો વિકસાવવા તરફ ડગલાં માંડી શકે છે, જેનાથી પ્રાદેશિક સંતુલન બદલાઈ શકે છે.

અમેરિકા અને ઈઝરાયેલનું શું કહેવું છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાઓને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે ઈરાન અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસોઈલો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જોકે, ગુપ્તચર અહેવાલોમાં અત્યાર સુધી આનો કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી. હાલમાં ઈઝરાયેલ અને અમેરિકાનું લક્ષ્ય ઈરાનના મિસોઈલ કાર્યક્રમને નબળો પાડવાનું હોવાનું જણાવાયું છે.

હવે દુનિયાની નજર ઈરાન પર

નિષ્ણાતોનું કહેવું છે કે ખામેનેઈની નીતિ ઈરાનને એક પ્રકારે 'રક્ષણાત્મક' માળખામાં રાખતી હતી. પરંતુ વર્તમાન યુદ્ધના માહોલમાં નવી સરકાર આ સીમા બદલી શકે છે. આ જ કારણે 2017 નો આ વિડિયો ફરી એકવાર ચર્ચામાં છે. લોકો તેને શેર કરીને પૂછી રહ્યા છે કે શું ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનની મિસાઈલ વ્યૂહરચના બદલાઈ જશે?