ખામેનીના મોત અંગે સોનિયા ગાંધીનો સરકાર પર સીધો પ્રહાર! PMના મૌન પર ઉઠાવ્યા સવાલ

ઈઝરાયેલ-અમેરિકી હુમલામાં ખામેનેઈના મૃત્યુ પર અત્યાર સુધી વડાપ્રધાન મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ બાબતે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારની નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ખામેનેઈની લક્ષિત હત્યા (targeted killing) પર તેમનું મૌન એ 'કર્તવ્યહીનતા' છે અને તેનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થાય છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના એક લેખમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ખામેનેઈની હત્યા પર ભારત સરકારનું ચૂપ રહેવું એ કોઈ તટસ્થ વલણ નથી, પરંતુ પોતાની જવાબદારીમાંથી પાછળ હટવા સમાન છે.
સોનિયા ગાંધીએ માંગ કરી છે કે જ્યારે બજેટ સત્રના બીજા ભાગ માટે સંસદ ફરી શરૂ થાય, ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પતન અને સરકારના આ "પરેશાન કરનારા મૌન" પર કોઈ પણ બચાવ વગર ખુલ્લી ચર્ચા થવી જોઈએ.
સોનિયા ગાંધીએ ઉઠાવ્યા ગંભીર સવાલો
સોનિયા ગાંધીએ પોતાના લેખમાં ઈરાન પર થયેલા હુમલામાં ખામેનેઈના મૃત્યુનો ઉલ્લેખ કરતા લખ્યું, '1 માર્ચે ઈરાને પુષ્ટિ કરી હતી કે તેના સુપ્રીમ લીડર અયાતુલ્લા સૈયદ અલી હુસૈની ખામેનેઈની અગાઉના દિવસે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા લક્ષિત હુમલામાં હત્યા કરવામાં આવી હતી. ચાલુ મંત્રણાઓ વચ્ચે પદ પર રહેલા રાષ્ટ્રાધ્યક્ષની હત્યા એ સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ઊંડો ઘા છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનાના આંચકા કરતા વધુ ચોંકાવનારી બાબત ભારત સરકારનું મૌન છે. સોનિયા ગાંધીએ પીએમ મોદીના શરૂઆતના નિવેદનોની ટીકા કરતા કહ્યું, 'શરૂઆતમાં, અમેરિકા-ઈઝરાયેલના મોટા હુમલાને નજરઅંદાજ કરીને, વડાપ્રધાને પોતાની જાતને માત્ર યુએઈ (UAE) પર ઈરાનના જવાબી હુમલાની નિંદા કરવા પૂરતી મર્યાદિત રાખી હતી અને તે પહેલાં બનેલી ઘટનાઓ પર વાત કરી નહોતી.'
સોનિયા ગાંધીએ દાવો કર્યો કે પીએમ મોદીએ બાદમાં 'ઊંડી ચિંતા' અને 'સંવાદ તથા કૂટનીતિ' જેવી સાધારણ વાતો કહી હતી, જે ઈઝરાયેલ અને અમેરિકાના મોટા અકારણ હુમલાઓ પહેલા પણ ચાલુ જ હતી.
ભારતના મૌનને વિદેશ નીતિની વિરુદ્ધ ગણાવ્યું
સોનિયા ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે જ્યારે ભારત જેવા દેશ દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવતું નથી, ત્યારે તે ખોટો સંદેશ આપે છે. તેમણે લખ્યું, 'જ્યારે કોઈ વિદેશી નેતાની લક્ષિત હત્યા પર આપણા દેશ તરફથી સાર્વભૌમત્વ કે આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ સ્પષ્ટ બચાવ થતો નથી અને નિષ્પક્ષતા છોડી દેવામાં આવે છે, ત્યારે તે આપણી વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર શંકા પેદા કરે છે.'
રાહુલ ગાંધીએ પણ કરી ટીકા
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સોનિયા ગાંધીનો લેખ પોસ્ટ કરતા લખ્યું, 'જ્યારે કોઈ વિદેશી નેતાની લક્ષિત હત્યા પર આપણો દેશ સાર્વભૌમત્વ કે આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ સ્પષ્ટ બચાવ કરતો નથી, ત્યારે તેનાથી ગંભીર સવાલો ઉભા થાય છે. આવા સમયે ચૂપ રહેવું એ તટસ્થતા નથી.'
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું - 'શ્રીમતી સોનિયા ગાંધીજીએ આ નાજુક વૈશ્વિક પરિદ્રશ્ય પર લખતા ભાર મૂક્યો છે કે ભારતે સાર્વભૌમત્વ અને શાંતિ માટે ઉભા રહેવું જોઈએ અને પોતાની નૈતિક શક્તિ જાળવી રાખવી જોઈએ.'

