'મોંઘવારીને જોતા ચોખા ના ખરીદ્યા', જાપાનના કૃષિમંત્રીએ વિવાદ બાદ આપવું પડ્યું રાજીનામું
જાપાનના કૃષિ મંત્રી તાકૂ એતોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ચોખાને લઇને એક નિવેદનને કારણે તેમને લોકો અને સાંસદો

જાપાનના કૃષિ મંત્રી તાકૂ એતોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ચોખાને લઇને એક નિવેદનને કારણે તેમને લોકો અને સાંસદો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વડાપ્રધાન શિગેરૂ ઇશિબાની સંકટગ્રસ્ત સરકાર માટે નવો પડકાર ઉભો થયો હતો. તાજેતરમાં મંત્રીએ કહ્યું હતું કે તેમને ચોખા ક્યારેય પણ ખરીદવા નથી પડ્યા કારણ કે આ તેમને સમર્થકો આપી જાય છે. આ રાજીનામુ એવા સમયે પડ્યુ છે જ્યારે દેશના પારંપરિક મુખ્ય ભોજનનો રેકોર્ડ ઉંચી કિંમતોથી જનતા પરેશાન છે.
સરકાર સામે નવો પડકાર
કૃષિ મંત્રી તાકૂ એતોનું નિવેદન લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના એક સેમિનાર દરમિયાન આવ્યું હતું જે લઘુમતી સરકારનું નેતૃત્ત્વ કરે છે. જુલાઇમાં યોજાનારી ચૂંટણી પહેલા આ ભૂલ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. મોટી હારનો અર્થ નવી સરકાર બની શકે છે અથવા વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ પોતાનું પદ છોડવું પડશે.
આ નિવેદનને કારણે મતદારો તરફથી ટીકા કરવામાં આવી જે પહેલા જ ખરાબ પાકને કારણે વધેલી માંગ અને ઐતિહાસિક ઊંચી કિંમતોથી નારાજ હતા. વડાપ્રધાન કાર્યાલયમાં પોતાનું રાજીનામુ આપતા એતોએ કહ્યું, 'મે આ સમયે ઘણુ ખોટુ નિવેદન આપ્યું છે, જ્યારે નાગરિક ચોખાની વધતી કિંમતથી પરેશાન છે.'
પર્યાવરણ મંત્રીને મળી જવાબદારી
વડાપ્રધાન ઇશિબાએ પૂર્વ પર્યાવરણ મંત્રી શિંજિરો કોઇજુમીને કૃષિ અને મત્સ્ય પાલન મંત્રાલયમાં એતોની જગ્યાએ નિયુક્ત કર્યા છે અને કહ્યું કે આશા છે કે તેમના સુધારાવાદી વલણથી સારા પરિણામ મળશે. ઇશિબાએ કહ્યું કે કોઇજુમી એક એવા વ્યક્તિ છે જેમની પાસે કૃષિ અને મત્સ્ય પાલનમાં સુધારા માટે અનુભવ, વિજન અને જુસ્સો છે.
500 રૂપિયા પ્રતિ કિલો કિંમત
સોમવારે જાહેર થયેલા આંકડા અનુસાર સુપરમાર્કેટમાં ચોખાની કિંમત 11 મે સુધીના અઠવાડિયામાં ફરી વધી ગઇ છે. 18 અઠવાડિયામાં પ્રથમ વખત ઘટાડા બાદ 5 કિલો બેગની કિંમત 4,268 યેન (આશરે 2500 રૂપિયા) થઇ ગઇ છે. ઉંચી કિંમતોને કારણે છૂટક વેપારીઓ અને ગ્રાહકોએ સસ્તા, વિદેશી ચોખા શોધવાનું શરૂ કર્યું છે.ઇશિબાએ કહ્યું કે કિંમતો 3000 યેન અને 3,999 યેન વચ્ચે હોવી જોઇએ.








