ગાઝા પર ઇઝરાયેલનો મોટો હુમલો, શહેર છોડીને ભાગ્યા લોકો;હોસ્પિટલોમાં લાશોના ઢગલા
ઇઝરાયેલી સેનાએ ગાઝા સિટી પર કબ્જો કરવા માટે જમીની ઓપરેશન હાથ ધર્યું છે.ગાઝામાં હુમલા વધતા હજારો લોકો પોતાના ઘર

ઇઝરાયેલી સેનાએ ગાઝા સિટી પર કબ્જો કરવા માટે જમીની ઓપરેશન હાથ ધર્યું છે.ગાઝામાં હુમલા વધતા હજારો લોકો પોતાના ઘર છોડીને ગાડીમાં સામાન ભરીને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા છે. કેટલાક પરિવારો ગાડીની છત પર પણ બેઠેલા જોવા મળ્યા હતા તો કેટલાક લોકો સુરક્ષિત જગ્યાએ ચાલતા જ નીકળ્યા હતા. ઇઝરાયેલના ગાઝા પર હુમલામાં 78 લોકોના મોત થયા છે.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝેએ કહ્યું, "ગાઝા સળગી રહ્યું છે અને સેના આખી રાત અને સવાર સુધી સતત બોમ્બમારો કરી રહી છે."
ઇઝરાયેલનો ગાઝામાં ભીષણ હુમલો
ઇઝરાયેલે ગાઝા સિટીમાં ફરી ભીષણ હુમલા શરૂ કર્યા છે. બપોર સુધી શિફા હોસ્પિટલમાં જ 34 શબ પહોંચ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.મોહમ્મદ અબુ સલ્મિયાએ કહ્યું, "ગાઝામાં કઠિન રાત હતી, બોમ્બમારો એક ક્ષણ પણ રોકાયો નથી." બીજી તરફ ઇઝરાયેલમાં બંધકોના પરિવાર નેતન્યાહૂના ઘરની બહાર ભેગા થયા હતા અને તેમણે ગાઝામાં ઓપરેશન રોકવાની અપીલ કરી હતી.
ઇઝરાયેલે 10 બાળકોની પણ હત્યા કરી
ઇઝરાયેલે ગાઝામાં ફૂટબોલ યુવા એકેડમીના 10 બાળકોની પણ હત્યા કરી હતી. ગાઝા સિટીમાં ફૂટબોલ એકેડમીના 10 બાળકો ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા.
ઇઝરાયેલે ગાઝાવાસીઓને આપ્યું હતું અલ્ટીમેટમ
ઈઝરાયલે ગાઝાવાસીઓને સ્થળ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું હોવાથી મોટો હુમલો થવાનો ફફડાટ વધ્યો છે.ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે, તે ગાઝામાં સક્રિય એક-એક આતંકવાદીનો ખાતમો બોલાવશે. ગાઝામાં રહેતાં લોકોને અહીંથી નીકળી જવા એલર્ટ આપ્યું છે.
પેલેસ્ટાઈનના લાખો લોકોએ કર્યું સ્થળાંતર
ગાઝામાં કુલ 10 લાખથી વધુ લોકો વસે છે. જેમાંથી 2-3 લાખ લોકોએ પલાયન કર્યું છે. ઈઝરાયલે ચેતાવણી આપી છે કે, ગાઝામાં રહેતાં લોકો દક્ષિણ હિસ્સામાં જઈ આશરો લઈ શકે છે. પરંતુ ત્યાં વસતાં તમામ લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. તેઓ કોઈપણ વિસ્તારને સુરક્ષિત માની રહ્યા નથી. ઈઝરાયલે અપેક્ષાકૃત શાંતિપૂર્વ વિસ્તાર વેસ્ટ બેન્કમાં પણ હુમલાઓ વધાર્યા છે. તદુપરાંત વેસ્ટ બેન્કના તુબાસ, નાબલુસ અને ઉત્તરીય વેસ્ટ બેન્કમાં પણ હુમલા કરી રહ્યું છે.








