VIDEO: અમેરિકી એક્શન સામે ઈરાનનું રિએક્શન: જોર્ડન, બહરીન અને કુવૈત પર ઈરાની હુમલાની નવી લહેર
US Iran Airstrikes: અમેરિકાએ સતત ચોથી રાત્રે ઈરાનની અંદર સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા. બીજી તરફ, જવાબી કાર્યવાહીનો દાવો કરતા ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જણાવ્યું કે તેણે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકન સૈન્ય મથકો અને વેપન સ્ટોરેજ ફેસિલીટીને નિશાન બનાવ્યા.
અમેરિકાએ ઈરાનમાં મર્યાદિત સૈન્ય મથકોને નિશાન બનાવ્યા
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમેરિકાની સેનાએ ઈરાનની અંદર ઉભરી રહેલા જોખમોને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે મર્યાદિત સંખ્યામાં સૈન્ય મથકો પર નવા હવાઈ હુમલા કર્યા. જો કે, અધિકારીએ હુમલાના સ્થળ કે નુકસાન વિશે વધુ માહિતી આપી ન હતી.
હોર્મુઝ સપ્લાય લાઇન પર અમેરિકન સેન્ટકોમના હુમલા
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે મંગળવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાનની એ સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવવા માટે વધારાના હવાઈ હુમલા શરૂ કર્યા, જેનો ઉપયોગ હોર્મુઝમાં વેપારી જહાજો પરના હુમલા માટે કરવામાં આવી રહ્યો હતો.
મધ્ય-પૂર્વમાં અમેરિકન નૌસેનાની નાકાબંધી
આ સાથે જ અમેરિકન નૌસેનાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો તરફ આવતા-જતા જહાજો પર ફરીથી નાકાબંધી લાગુ કરી દીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમયે મધ્ય પૂર્વમાં નૌસેનાના 20થી વધુ યુદ્ધ જહાજો અને અનેક સૈન્ય વિમાનો તૈનાત છે અને કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
દક્ષિણ ઈરાનના તટીય વિસ્તારોમાં ભારે વિસ્ફોટ
બીજી તરફ ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ હેંગામ ટાપુ પર અમેરિકન પ્રોજેક્ટાઈલ પડવાની માહિતી આપી. બંદર અબ્બાસની આસપાસ પણ અમેરિકન હુમલાની પુષ્ટિ સ્થાનિક વહીવટીતંત્રે કરી. ઈરાનના પબ્લિક બ્રોડકાસ્ટર IRIB એ દક્ષિણ ઈરાનના અહવાઝ શહેર અને કેશ્મ ટાપુ પર પણ ઘણા વિસ્ફોટની માહિતી આપી. આ પહેલા 13 જુલાઈએ અમેરિકાએ ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિત અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં મિસાઈલ, ડ્રોન, કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમ અને દરિયાઈ સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવીને મોટા પાયે હુમલા કર્યા હતા.
જોર્ડન-બહેરીનમાં ઈરાનનો જવાબી હુમલો
ઈરાની સેનાએ દાવો કર્યો કે તેણે જોર્ડનના અઝરાક એર બેઝ સ્થિત અમેરિકન મથકો પર ડ્રોન હુમલો કર્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, સેનાએ કહ્યું છે કે ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય મથકો વિરુદ્ધ ડ્રોન અભિયાન અંતિમ વિજય સુધી ચાલુ રહેશે. બીજી તરફ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો કે ઓપરેશન 'પ્રોમિસ-2'ની ત્રીજી લહેર હેઠળ બહેરીનના શેખ ઈસા એર બેઝ પર હથિયારો અને સૈન્ય ઉપકરણોની સ્ટોરેજ ફેસિલીટીને મિસાઈલ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવવામાં આવી.
કુવૈતમાં અમેરિકન ડ્રોન લોન્ચ પેડ પર નિશાન
સાથે જ કુવૈતના અલી અલ સલેમ એર બેઝ પર MQ-9 ડ્રોન લોન્ચ પેડને પણ નિશાન બનાવવાનો દાવો કર્યો. આઈઆરજીસીએ કહ્યું કે આ કાર્યવાહી અમેરિકા દ્વારા ઈરાનના દરિયાકાંઠાના સૈન્ય મથકો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ઈરાની સેનાએ ચેતવણી આપી કે જ્યાં સુધી અમેરિકન કાર્યવાહી ચાલુ રહેશે, જવાબી હુમલા પણ ચાલુ રહેશે.
કુવૈત એર ડિફેન્સે ઈરાની મિસાઈલો તોડી પાડી
બીજી તરફ, કુવૈતની સેનાએ દાવો કર્યો કે તેણે મંગળવારે સાંજે દેશ તરફ દાગવામાં આવેલી એક બેલિસ્ટિક મિસાઈલ, પાંચ ક્રુઝ મિસાઈલ અને 33 ડ્રોનને પોતાની એર ડિફેન્સ સિસ્ટમથી તોડી પાડ્યા. કુવૈતની સેનાએ આરોપ લગાવ્યો કે ઈરાને દેશના અનેક મહત્વપૂર્ણ અને નાગરિક મથકોને નિશાન બનાવ્યા. કુવૈતી સેનાના જણાવ્યા અનુસાર, ઈન્ટરસેપ્ટ કરાયેલી મિસાઈલો અને ડ્રોનનો કાટમાળ ઘણી જગ્યાએ પડ્યો, જેનાથી મિલકતોને નુકસાન થયું. એક નૌસેના જહાજ પણ હુમલાની ઝપેટમાં આવ્યું, જ્યારે ચાર સૈન્યકર્મીઓ ઘાયલ થયા.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી તંગ સ્થિતિ, વૈશ્વિક ઉર્જા પર સંકટ
આ દરમિયાન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એકવાર ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને લઈને ચેતવણી આપી. તેણે કહ્યું કે જો ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય હાજરી ચાલુ રહેશે તો તેની અસર ઉર્જા પુરવઠા પર પડશે. IRGCએ નિવેદનમાં જણાવ્યું કે, 'જ્યાં સુધી અમેરિકાની સૈન્ય હાજરી આ ક્ષેત્રમાં રહેશે, ત્યાં સુધી અહીંથી ક્રૂડ અને ગેસનું એક પણ ટીપું નિકાસ નહીં થાય. અમેરિકન આક્રમકતાનું પરિણામ માત્ર હોર્મુઝ ખોલવામાં વધુ વિલંબ જ હશે.'

