VIDEO: ઈરાને જોર્ડન, બહેરીન અને કુવૈતમાં યુએસના સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
મિડલ-ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો ત્યારે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી અનેક મિસાઇલ હુમલા કર્યા છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, જોર્ડનમાં સ્થિત અમેરિકન એરબેઝના કમાન્ડ સેન્ટર અને ડ્રોન હેંગર્સને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું દાવો કરવામાં આવ્યો છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં ફ્લાઇટ સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. ઉપરાંત, કુવૈતમાં અમેરિકન સેનાના HIMARS મિસાઇલ લોન્ચર અને મિસાઇલ ડેપોને પણ નિશાન બનાવ્યાનો ઈરાને દાવો કર્યો છે. બીજી તરફ, બહેરીનમાં મિસાઇલ એલર્ટના સાયરન ગુંજી ઉઠતાં સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ઈરાનના આ તમામ દાવાઓ અંગે અમેરિકા અથવા સંબંધિત દેશો તરફથી સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી, જેના કારણે નુકસાન અને હુમલાની વાસ્તવિક સ્થિતિ અંગે સ્પષ્ટતા થવાની બાકી છે.

