VIDEO: UNSC બેઠક માટે ભારત-તાજિકિસ્તાન આમનેસામને
તાજિકિસ્તાને 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી બેઠક માટે સત્તાવાર દાવેદારી રજૂ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન તાજિકિસ્તાનના વિદેશ મંત્રીએ તેની જાહેરાત કરી હતી. તાજિકિસ્તાન પહેલીવાર UNSC ચૂંટણીના મેદાનમાં ઉતર્યું છે અને તેને 57 સભ્યો ધરાવતા OICનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, ભારતે જુલાઈ 2026માં ‘શાંતિ’ થીમ સાથે પોતાનું અભિયાન શરૂ કર્યું છે અને નવમા કાર્યકાળ માટે પ્રયાસ કરી રહ્યું છે. તાજિકિસ્તાનની દાવેદારીથી ગ્લોબલ સાઉથ, OIC, SCO, આફ્રિકા અને અન્ય ભાગીદાર દેશોમાં ભારતની કૂટનીતિક પહોંચની કસોટી થવાની છે. UNSC માટે આ ચૂંટણી જૂન 2027માં યુએન જનરલ એસેમ્બલીમાં ગુપ્ત મતદાન દ્વારા યોજાશે. આ બેઠક મેળવવા માટે ઉમેદવાર દેશે હાજર રહીને મત આપનાર સભ્ય દેશોનું બે-તૃતીયાંશ બહુમતી મેળવવી પડશે.

