VIDEO: મિડલ ઈસ્ટમાં પાકિસ્તાને વધુ એક મોટા દેશ સાથે 'ડિફેન્સ ડીલ'કરતાં ભારતનું ટેન્શન વધ્યું!
ચારેય તરફથી આંતરિક અને આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે મિડલ ઈસ્ટના દેશોમાં પોતાનું ‘સૈન્ય નેટવર્ક’ મજબૂત કરવાનો નવો રસ્તો અપનાવ્યો છે જે ભારત માટે ચિંતાનો વિષય મનાય છે. સાઉદી અરેબિયા અને તૂર્કેઈ સાથે સંરક્ષણ ભાગીદારી કર્યા બાદ, હવે પાકિસ્તાને કુવૈત સાથે હાથ મિલાવ્યા છે. ગુરુવારે ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી સહયોગ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે, જેને સત્તાવાર રીતે પ્રોટોકોલ એગ્રીમેન્ટ 2026 નામ આપવામાં આવ્યું છે.ઇસ્લામાબાદમાં કુવૈતના સંરક્ષણ મંત્રી શેખ અબ્દુલ્લા અલી અબ્દુલ્લા અલ-સાલેમ અલ-સબાહ અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર 5 વર્ષ માટે અમલમાં રહેશે. કરાર હેઠળ બંને દેશોની સેનાઓ સંયુક્ત લશ્કરી તાલીમ અને અભ્યાસ કરશે, સૈન્ય શિક્ષણ અને વિશિષ્ટ જ્ઞાનની આપ-લે કરશે, તેમજ ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ) અને લોજિસ્ટિક્સમાં સહયોગ વધારશે. ઉપરાંત, પાકિસ્તાની સેના કુવૈતના સૈનિકોને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરશે.

