‘મિડલ ક્લાસને ધોળા દિવસે લૂંટવામાં આવી રહ્યો છે!’, ભાજપ છોડતાં જ શહેઝાદ પૂનાવાલાનો મોટો ધડાકો

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ દેશની તમામ સરકારો સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભારતના મધ્યમ વર્ગની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેશના મિડલ ક્લાસને ધોળા દિવસે લૂંટવામાં આવી રહ્યો છે. પૂનાવાલાએ સવાલ કર્યો કે મિડલ ક્લાસ જેટલો ટેક્સ ચૂકવે છે, શું તેના પ્રમાણમાં તેને પૂરતી સુવિધાઓ મળે છે ખરી?
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં તેમણે કહ્યું કે, “ભારતનો મિડલ ક્લાસ માત્ર એક એટીએમ બનીને રહી ગયો છે. જ્યાં સુધી દેશના નાગરિકોને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ન મળે, ત્યાં સુધી પગારદાર મધ્યમ વર્ગ માટે પર્સનલ ઇનકમ ટેક્સ નાબૂદ કરવાનો સમય આવી ગયો છે.”
પાર્ટી છોડતા પહેલાં જ ઉઠાવ્યા હતા સવાલો
શહેઝાદ પૂનાવાલાએ 17 ઑગસ્ટ 2026ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાનો રાજીનામા પત્ર ‘X’ પર શેર કર્યો હતો. પક્ષ છોડવાના થોડા કલાકો પહેલાં જ તેમણે મધ્યમ વર્ગ પર લાદવામાં આવતા આવકવેરા તેમજ દેશના રસ્તા, શાળાઓ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને લઈને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે દેશની શિક્ષણ અને આરોગ્ય પ્રણાલી પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, "જ્યારે તમારે તમારા બાળકને શાળાએ મોકલવું હોય, ત્યારે તે હંમેશાં ખાનગી સ્કૂલ જ હોય છે. જ્યારે તમારે તમારા માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા હોય, ત્યારે તે હંમેશાં ખાનગી હોસ્પિટલ જ હોય છે."

‘ટેક્સના એક-એક રૂપિયાનો હિસાબ જોઈએ’
18 ઑગસ્ટે ફરીથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેમણે સરકારો સમક્ષ જવાબદેહીની માંગ કરી હતી. તેમણે લખ્યું કે, "મધ્યમ વર્ગ તમામ સરકારોને પૂછી રહ્યો છે કે, જો આપણે વૈશ્વિક ધોરણો મુજબ ટેક્સ ચૂકવીએ છીએ, તો શું આપણને વૈશ્વિક સ્તરની સુવિધાઓ મળે છે? શું આપણી સરકારી શાળાઓ, સારા રસ્તા, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા અને પીવાનું શુદ્ધ પાણી તે ધોરણો મુજબ છે? સરકારોએ આનો જવાબ આપવો જોઈએ. સામાન્ય જનતા પર્સનલ ઇનકમ ટેક્સ, GST, ટોલ ટેક્સ, સેસ, ફ્યુઅલ ટેક્સ અને લોકલ ટેક્સ જેવા અનેક વેરા ભરે છે. તેમણે સ્પષ્ટતા કરી કે, "મને દેશના વિકાસમાં યોગદાન આપવા સામે કોઈ વાંધો નથી, પરંતુ આટલું બધું આપ્યા પછી બદલામાં સામાન્ય નાગરિકને શું મળે છે?"
સિંગાપોર જેવી વ્યવસ્થાની માંગ
પૂનાવાલાએ ભારતની વ્યવસ્થાની સરખામણી કરતાં જણાવ્યું કે, "ભારતના મિડલ ક્લાસને શરૂઆત માટે સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન મળી શકે? જ્યાં ઓછો ટેક્સ, શ્રેષ્ઠ રસ્તા, ઉત્તમ ટ્રાન્સપોર્ટ અને મજબૂત સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. દેશની જનતા પાસેથી ટેક્સ વસૂલતી દરેક ઓથોરિટી પાસેથી ટેક્સના એક-એક રૂપિયાની જવાબદેહી મળવી જોઈએ. તેમણે ખાસ કરીને પગારદાર વર્ગ માટે રાહતની માંગ કરતાં કહ્યું કે સરકારે મિડલ ક્લાસ માટે ટેક્સનો બોજ ઓછો કરવો જોઈએ, જેથી રોજિંદી મહેનત કરતા પગારદાર વર્ગને આર્થિક રાહત મળી શકે.

