GSTમાં ઘટાડાથી મિડલ ક્લાસને મળશે ફાયદો, કપડા-ખાદ્ય પદાર્થોથી લઈને સિમેન્ટ પર થશે વિચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી GSTમાં સુધારાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે GSTનો સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી. આ મામલે હવે મોટી અપડેટ આવી છે કે, સરકાર ટેક્સટાઈલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવા વિચારણા કરી રહી છે.
કપડા, ખાદ્ય પદાર્થોથી લઈને સિમેન્ટ પર થશે વિચાર
નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ્સ અંતર્ગત ટેક્સનો બોજો હળવો કરવા ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કપડાને 5 ટકાના GST સ્લેબમાં લાવવા વિચારણા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર અમુક સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર GSTના દરોનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી મહિને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. તદુપરાંત સિમેન્ટ સહિત અન્ય ચીજવસ્તુઓ તેમજ સલુન-બ્યૂટી પાર્લર જેવી ચીજવસ્તુઓ પર GST ઘટાડવા પર પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાના સલુન GSTમાંથી બાકાત છે. જ્યારે મધ્યમ અને હાઈ કેટેગરીના સલુન પર 18 ટકા GST લાગુ છે. જેનો સીધો બોજો ગ્રાહકો પર પડે છે. સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
આ સેક્ટરમાં પણ થઈ શકે ઘટાડો
કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લાંબા સમયથી GSTમાં ઘટાડો કરવાની માંગ છે. તદુપરાંત વીમા સંગઠનો દ્વારા ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર GST દૂર કરવાની માંગ છે. જેના પર નિર્ણય લેવાઈ શકે છે. 4 મીટર સુધીની નાની કાર પર GST સ્લેબ 18 ટકા અને મોટી લકઝરી કારને 40 ટકા GST સ્લેબમાં લાવી શકે છે.
હાલ મીઠાઈ-કપડા પર કેટલો GST?
બ્રાન્ડ વિનાની મીઠાઈ પર હાલ 5 ટકા GST લાગુ છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ મીઠાઈ પર 18 ટકા GST લાગુ છે. તદુપરાંત કાર્બેનેટેડ ડ્રિંક્સ પણ 18 ટકા GSTમાં સામેલ છે. કપડાની કિંમતના આધારે 5થી 12 ટકાનો સ્લેબ લાગુ છે. 1000 રૂપિયાથી ઓછી કિંમતના કપડા પર 5 ટકા અને વધુ કિંમતના કપડા પર 12 ટકા GST લાગુ છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં લેવાશે નિર્ણય
નાણા મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ GST કાઉન્સીલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. તે પહેલા 2 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે GST સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ થશે. હજી સુધી GST કાઉન્સિલની બેઠકનો વિસ્તૃત એજન્ડા અને સ્થળ જાહેર નથી થયું. GST સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ GSTમાં સુધારાથી સરકારને થનારા નુકસાન પર મુસદો તૈયાર કર્યો છે.
દિવાળી પહેલા થઈ શકે જાહેરાત
GST કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, GSTમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર કામગીરી શરૂ થઈ ચૂકી છે. રાજ્યો સાથે આ મામલે ચર્ચા-વિચારણા પૂર્ણ થઈ છે. જેથી કેન્દ્ર સરકાર વિજયા દશમી (2 ઓક્ટોબર) સુધીમાં GSTના નવા દરો રજૂ કરી શકે છે. જો પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થઈ તો તેનો અમલ દશેરા સુધીમાં થઈ શકે છે.

