VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ શોકત મિર્ઝિયોયેવ સાથે યોજાશે મહત્વપૂર્ણ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદના પ્રવાસે છે...તાશ્કંદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ શોકત મિર્ઝિયોયેવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની અગત્યની વાટાઘાટો યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વ્યાપક અને મજબૂત બનાવવાનો છે. આ ખાસ બેઠકમાં બંને નેતાઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ તેમજ બંને દેશોના લોકો વચ્ચેના સંપર્ક જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરશે. સાથે જ અત્યાર સુધી થયેલી પ્રગતિ પર ચર્ચા કરીને ભવિષ્યના સહયોગ માટે નવું સાહસિક એજન્ડા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસ દરમિયાન તાશ્કંદ સ્થિત યાંગી ઉઝબેકિસ્તાન પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પાર્કમાં શહીદો અને રાષ્ટ્રના પ્રતીક સમાન સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પિત કરીને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ખાસ અને મહત્વપૂર્ણ ક્ષણે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ તેમની સાથે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

