VIDEO: "હોર્મુઝની ખાડી 2029 સુધી બંધ રહેશે": ઈરાને વધાર્યું દુનિયાનું ટેંશન
Iran and USA War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ ભાંગી પડયા પછી પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલા બદલ અત્યાર સુધી ઈરાન વળતરની માગણી કરતું હતું. હવે તેનાથી એકદમ વિપરિત અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ બદલ તહેરાન પાસે વળતરની માગ કરી છે. જોકે, ટ્રમ્પની માગણીના જવાબમાં ઈરાને એક મોટી જાહેરાત કરી છે. દુનિયાના સૌથી વ્યસ્ત વ્યાપારિક માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી ખોલવા અમેરિકા પર ભારે દબાણ છે ત્યારે ઈરાને કહ્યું કે, અમારી સાથે સોદો કરવાની ટ્રમ્પની તાકાત નથી. હવે હોર્મુઝની ખાડી 2029 સુધી બંધ રહેશે. અમે 2029 સુધી રાહ જોઈશું, પરંતુ ટ્રમ્પ સામે નહીં ઝુકીએ.
પશ્ચિમ એશિયામાં હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ જહાજોના બેરોકટોક પરિવહન મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આવા સમયે ઈરાને ટ્રમ્પ સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની વાતચીત અથવા સમજૂતીની સંભાવનાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગાલિબાફના વરિષ્ઠ સલાહકાર માજિદ શાકેરીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ટ્રમ્પ અમારી સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરી શકશે નહીં. અમે 20 જાન્યુઆરી 2029 સુધી રાહ જોઈશું અને અમે તેમનો કાર્યકાળ પૂરો તાય ત્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રાખીશું.
માજિદ શાકેરીના આ નિવેદને હોર્મુઝની ખાડી મુદ્દે ઈરાનની આગામી રૂપરેખા નક્કી કરી દીધી છે, જેનાથી દુનિયાભરમાં હોબાળો મચાવી દીધો છે. શાકેરીએ જણાવ્યું કે, વિજય મેળવવાનો રસ્તો ન તો સીધી લડાઈમાં છે અને ઉતાવળે કરાયેલી કોઈ સમજૂતીમાં પણ નથી. અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીતની જાહેરમાં પુષ્ટી એકદમ મુર્ખામી હશે. અત્યારે અમારા માટે સૌથી સારી અને જીતવાની રણનીતિ એ છે કે અમે ઈનકાર કરીએ, અનિશ્ચિતતા જાળવી રાખીએ અને રણનીતિક ધીરજ રાખીએ.
આ સાથે ઈરાને દુનિયાના અર્થતંત્ર માટે લાઈફલાઈન ગણાતી હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે ખોલવા માટે પોતાની ત્રણ શરતોનો પુનરોચ્ચાર કર્યો છે. તહેરાને કહ્યું, અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને સૈન્ય કાર્યવાહીના કારણે તેના અર્થતંત્રને જે નુકસાન થયું છે તેના માટે અમેરિકા ઈરાનને 300 અબજ ડોલરનું વળતર ચૂકવે. દુનિયાભરની બેન્કોમાં અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા ફ્રીઝ કરાયેલી ઈરાનની અબજો ડોલરની સંપત્તિને મુક્ત કરવામાં આવે.
મધ્ય-પૂર્વના તમામ દેશો અને સમુદ્રી સરહદોમાંથી અમેરિકન સેનાને સંપૂર્ણપણે પાછી બોલાવવામાં આવે. અમેરિકા આ શરતો નહીં સ્વિકારે ત્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે.
બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં યુદ્ધ માટે ઈરાન પાસેથી વળતરની માગણી કરી છે. ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે ભવિષ્યમાં થનારી બધી જ વાતચીતમાં વળતરની માગ કરાશે. ટ્રમ્પે ઈરાન પર બોમ્બ હુમલા અને અન્ય યુદ્ધોમાં લોકોના મોતનો આક્ષેપ કર્યો. ઈરાનમાં છેલ્લા 50 વર્ષમાં સેંકડો દેખાવકારોનાં મોત થયા. છેલ્લા પાંચ મહિનામાં જ 52000નાં મોત થયા છે. ઈરાને આ બધા માટે વળતર ચૂકવવું જોઈએ.
દરમિયાન યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ બાબ-અલ-મંદેદ ખાડીમાં કમર્શિયલ જહાજ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ત્રણ પાકિસ્તાની અને એક ઈન્ડોનેશિયન નાગરિકનાં મોત થયા છે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝની ખાડી બંધ થવાની સાથે હવે હુથી બળવાખોરોએ બાબ-અલ-મંદેદ ખાડી પણ બંધ કરી દીધી છે, જેથી સાઉદી અરબ સહિતના દેશોની મુશ્કેલી વધી છે.

