Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Creek flood in Surat! Floods 3 times in 25 days, MLAs now surrender to BJP due to public anger

સુરતમાં ખાડી પૂરનો કકળાટ! 25 દિવસમાં 3 વખત પૂર, જનતાના રોષથી હવે ધારાસભ્યો પ્રદેશ ભાજપના શરણે

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ખાડી પૂરનો કકળાટ! 25 દિવસમાં 3 વખત પૂર, જનતાના રોષથી હવે ધારાસભ્યો પ્રદેશ ભાજપના શરણે
સોર્સ : gstv

સુરત શહેરમાં ખાડી પૂરનો મુદ્દો ફરી એકવાર રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે. છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાતા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનો રોષ સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે વધી રહ્યો છે. જનતાના આક્રોશથી બચવા માટે હવે કેટલાક ધારાસભ્યોએ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ સમક્ષ ખાડી પૂર અંગે રજૂઆત કરી હોવાની વાત સામે આવી છે.

App Store

એક વર્ષ સુધી મૌન, હવે પ્રદેશ સમક્ષ રોદણાં

આ રજૂઆત સાથે જ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો ખાડી પૂરનો પ્રશ્ન આટલો જ ગંભીર હતો તો ગત વર્ષે ખાડી પૂર બાદ રચાયેલી કમિટીની એક વર્ષ સુધી એક પણ બેઠક ન મળી ત્યારે અસરગ્રસ્ત વિસ્તારના ધારાસભ્યો અને પદાધિકારીઓએ અવાજ કેમ ન ઉઠાવ્યો? તે સમયે તંત્ર સામે કોઈ અસરકારક રજૂઆત કે કામગીરીનો હિસાબ માંગવામાં આવ્યો ન હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

પ્રજાના રોષથી બચવા માટેની કવાયત?

છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત ખાડી પૂર સર્જાવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોના ઘર, દુકાનો અને ધંધા-રોજગારને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને પગલે જનતામાં સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. પ્રજાનો આ રોષ જોઈને જ હવે પોતાની જવાબદારીમાંથી બચવા માટે ખાડી પૂરનો મુદ્દો પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યો હોવાની ચર્ચા સુરતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

હિસાબ માંગવાને બદલે માત્ર ફરિયાદોનો દોર

મુખ્યમંત્રી દ્વારા ખાડી પૂર નિવારણ માટે 500 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે, ઉપરાંત બે કમિટીઓની રચના કરી તેમની બેઠકો પણ શરૂ કરી દેવાઈ છે. આવી સ્થિતિમાં પ્રદેશ નેતૃત્વ સમક્ષ ખાલીખમ ફરિયાદો કરવાને બદલે પાલિકા, કલેક્ટર કે રાજ્ય સરકાર સમક્ષ અત્યાર સુધીની કામગીરીનો હિસાબ માગવો અને સમયબદ્ધ આયોજન કરાવવું વધુ અનિવાર્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વાસ્તવિક કામગીરી ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે?

હવે અસલી સવાલ એ છે કે ખાડી પૂર નિવારણના નામે માત્ર કમિટી અને બેઠકો પૂરતી જ કામગીરી સીમિત ન રહેવી જોઈએ. ખાડીની સફાઈ, ગેરકાયદે દબાણો દૂર કરવા, પાણીનો યોગ્ય નિકાલ અને પૂર નિવારણની વાસ્તવિક કામગીરી જમીન પર ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે, તેનો સ્પષ્ટ હિસાબ જનતાને મળવો અત્યંત આવશ્યક છે.