'નિજ્જર હત્યાકેસમાં ભારત સરકારનો હાથ નથી', કેનેડાએ આખરે સ્વીકાર્યું; તો પછી અમેરિકા કેમ કરી રહ્યું છે ખુલાસા?

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરનારા કેનેડાને હવે આખરે પોતે જ સત્ય સ્વીકારવાની ફરજ પડી છે. કેનેડિયન પોલીસ એટલે કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં થયેલી નિજ્જરની હત્યામાં ભારત સરકાર કે તેના કોઈ અધિકારી સામેલ હોવાના કોઈ પુરાવા (Evidence) મળ્યા નથી. આ મોટો ખુલાસો ત્યારે થયો છે જ્યારે અમેરિકાના ન્યાય વિભાગે (Justice Department) તાજેતરમાં જાહેર કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે આ હત્યા પાછળ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હાથ હતો.
જસ્ટિન ટ્રુડોના આરોપો પોકળ સાબિત થયા
કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અંદાજે ત્રણ વર્ષ પહેલાં દાવો કર્યો હતો કે તેમની સુરક્ષા એજન્સીઓ નિજ્જરની હત્યા અને ભારતીય એજન્ટો વચ્ચેના કનેક્શનની (Possible Link) તપાસ કરી રહી છે. ભારતે આ દાવાઓને હંમેશાં ફગાવી દીધા હતા, છતાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં (Diplomatic Relations) ભારે તણાવ આવી ગયો હતો. હવે RCMP ના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટની (Organized Crime Syndicate) આ તપાસમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી ભારત સરકારના અધિકારીઓ સામેલ હોવાનું સાબિત થાય.
'ઓપરેશન હાર્ડ બોલ' નો મોટો ધડાકો
અમેરિકી તપાસ એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન હાર્ડ બોલ' (Operation Hard Ball) હેઠળ સ્પષ્ટ થયું છે કે આ સમગ્ર હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હતો. અમેરિકાએ આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત તેના નેટવર્કના નોર્થ અમેરિકન લીડર ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા અને સુખરાજ સિંહ કંગને આરોપી (Accused) બનાવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ સામે કાર્યવાહી કરીને અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ કુલ ૨૪ લોકોની ધરપકડ (Arrests) કરી છે.
ભારતના પોલીસ ચીફ પર અમેરિકાનો મોટો આરોપ
અમેરિકી વકીલોના જણાવ્યા અનુસાર, આ ગુનાહિત સંગઠનો ઉત્તર અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેમની પાસેથી ખંડણી (Extortion) વસૂલતા હતા. આ ચાર્જશીટમાં (Charge-sheet) એક ચોંકાવનારો દાવો કરાયો છે કે, ભારતમાં હાજર એક પોલીસ ચીફ ગુરિન્દરજીત સિંહે લોસ એન્જલસના એક પરિવાર પાસેથી ૪,૦૦,૦૦૦ ડોલરની ખંડણી માંગી હતી અને નાણાં ન આપવા પર ભારતમાં રહેતા તેમના સંબંધીઓને હત્યાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. અમેરિકી અધિકારીઓ આ ફરાર પોલીસ વડાની ધરપકડ કરીને તેને અમેરિકા પ્રત્યાર્પણ (Extradition) કરવાની યોજના બનાવી રહ્યા છે.

