VIDEO: પાકિસ્તાનમાં શુક્રવારની નમાજ વખતે મોતનું તાંડવ: પોલીસ લાઇન્સ પાસે ભયાનક કાર બ્લાસ્ટ, 15ના મોત અને 50થી વધુ લોહીલુહાણ!
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં પોલીસ લાઇન પાસે મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની બહાર મોટો ખાડો પડી ગયો. બહારનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો અને એક દીવાલ પણ પડી ગઈ.
વિસ્ફોટક ભરેલી કાર અથડાતા ગોળીબાર થયો
ખૈબર પખ્તુનખ્વાના IGએ જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક કાર જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાઈ. કાર અથડાયા પછી જોરદાર બ્લાસ્ટ થયો અને ગોળીબાર પણ થયો. હોસ્પિટલ તંત્ર મુજબ 15 મૃતદેહ અને 50થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ
પોલીસે કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો છે. પોલીસ લાઇન આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે તપાસના આદેશ આપ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહાટ પોલીસ લાઇન્સમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી બ્લાસ્ટના સ્વરૂપ અને તેના કારણો અંગે રિપોર્ટ પણ માગ્યો છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવાની સાથે અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.

