પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની આંખની સારવાર પૂર્ણ: હોસ્પિટલથી ફરી અદિયાલા જેલમાં ખસેડાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનની આંખની તકલીફને લઈને કરવામાં આવેલી તબીબી તપાસ અને સારવાર પૂર્ણ થયા બાદ તેમને ફરીથી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, 72 વર્ષીય પૂર્વ વડાપ્રધાનને આંખમાં તકલીફ જણાતાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની આંખની સંપૂર્ણ તપાસ અને જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તબીબી સારવાર પૂર્ણ થયા પછી અને તેમની સ્થિતિ સ્થિર જણાતાં સુરક્ષા દળોના કાફલા સાથે તેમને તાત્કાલિક જેલ પરિસરમાં પરત લાવવામાં આવ્યા હતા.
ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી વિવિધ કેસો અને કાયદાકીય મુકદ્દમાઓને પગલે જેલમાં બંધ છે. તેમની તબિયતને લઈને તેમના પક્ષ પીટીઆઈના નેતાઓ અને સમર્થકો દ્વારા સતત ચિંતા વ્યક્ત કરવામાં આવતી રહે છે. અગાઉ પણ તેમના પરિવારે જેલ પ્રશાસન સમક્ષ તેમને યોગ્ય તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે માંગણી કરી હતી. હાલ તબીબો દ્વારા તેમને આપવામાં આવેલી સારવાર બાદ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.




