Facebook-Instagramને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો! કોર્ટે મેટાને ફટકાર્યો $942 મિલિયનનો સખત દંડ!

સોશિયલ મીડિયાની ચમકતી દુનિયા પાછળ છુપાયેલા જોખમો સામે હવે વૈશ્વિક સ્તરે કાનૂની સિકંજો કસાવા લાગ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂ મેક્સિકોની કોર્ટે ટેક જાયન્ટ 'મેટા'(જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સની માલિકી ધરાવે છે)ને બાળ સુરક્ષાના મુદ્દે એક અભૂતપૂર્વ અને કડક પાઠ ભણાવ્યો છે. ઓનલાઇન માધ્યમો દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ઊભા થતાં જોખમો વિશે લોકોને યોગ્ય રીતે ચેતવવામાં નિષ્ફળ રહેવા બદલ જજે મેટાને અત્યાર સુધીનો સૌથી મોટો $567 મિલિયનનો દંડ ફટકાર્યો છે. આ નિર્ણય માત્ર અમેરિકા પૂરતો સીમિત ન રહેતા, સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે દાખલારૂપ સાબિત થઈ શકે.
સોશિયલ મીડિયા એ 'હવાનું પ્રદૂષણ': કોર્ટની કડક ટિપ્પણી અને દંડ
ન્યૂ મેક્સિકોના જજ બ્રાયન બિડશેઇડે મેટાની તુલના એક ફેક્ટરી સાથે કરતાં કહ્યું હતું કે 'જેમ ફેક્ટરીના ઉત્પાદન સાથે નીકળતો ધુમાડો હવાનું પ્રદૂષણ ફેલાવે છે, તેમ મેટાની જાહેરાતો અને સામગ્રી દ્વારા થતું બાળકોનું માનસિક નુકસાન અને જાતીય શોષણ એક પ્રકારનું પ્રદૂષણ જ છે.’ આ પહેલીવાર છે જ્યારે કોઈ સોશિયલ મીડિયા કંપનીની હાનિકારક અસરને ‘જાહેર ઉપદ્રવ’ ગણવામાં આવી હોય, જેની અસર માત્ર ઇન્ટરનેટ સુધી સીમિત ન રહેતા વાસ્તવિક દુનિયામાં બાળકો, શાળાઓ અને હોસ્પિટલો પર પડી રહી છે.
કુલ $942 મિલિયનનો દંડ ફટકાર્યો
કોર્ટે આ કેસમાં મેટાને વધુ $567 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ અગાઉ ફટકારેલા $375 મિલિયનના દંડ ઉપરાંતની છે, એટલે કે આ કેસમાં મેટાએ કુલ $942 મિલિયન ચૂકવવા પડશે.
દંડની રકમ ક્યાં ખર્ચાશે?
કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ફટકારવામાં આવેલી દંડની રકમમાંથી $420 મિલિયનનો ઉપયોગ બાળકોની વર્તણૂક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સુધારાત્મક કાર્યક્રમો માટે કરવામાં આવશે. બાકીના ભંડોળનો ઉપયોગ શિક્ષકો અને આરોગ્ય વ્યાવસાયિકોને સોશિયલ મીડિયાના નુકસાન સામે બાળકોનું રક્ષણ કરવા માટેની તાલીમ આપવા માટે થશે.
મેટા પર લાદવામાં આવેલા મુખ્ય પ્રતિબંધો અને આદેશો
18 વર્ષથી ઓછી વયના વપરાશકર્તાઓની પ્રોફાઇલ પુખ્ત વયના લોકોને ભલામણ (Recommend) કરી શકાશે નહીં, અને કોઈ પુખ્ત વ્યક્તિ સગીરને સીધો મેસેજ કરી શકશે નહીં. સગીરોને નગ્નતા સંબંધિત સામગ્રી મોકલવા કે મેળવવા પર પૂર્ણ પ્રતિબંધ.
બાળ જાતીય શોષણમાં સામેલ પુખ્ત વપરાશકર્તાઓ માટે કડક ‘1-સ્ટ્રાઇક’ નીતિ લાગુ કરાશે. જો કોઈ પુખ્ત વપરાશકર્તા (Adult User) બાળ જાતીય શોષણ, અશ્લીલ સામગ્રી મોકલવામાં કે સગીરોને શિકાર બનાવવાની પ્રવૃત્તિમાં સામેલ જોવા મળશે, તો તેને ચેતવણી આપ્યા વિના પ્રથમ ગુના પર જ (Zero Tolerance) તેનું એકાઉન્ટ તરત જ અને કાયમ માટે બંધ કરી દેવાશે.
18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે ‘લાઇક’ ગણતરી દૂર કરાશે. સગીર વયના બાળકોમાં સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટને કેટલી 'લાઇક્સ' મળે છે તેના પરથી પોતાની લોકપ્રિયતા અને આત્મસન્માન માપવાની ક્ષતિગ્રસ્ત ટેવ પડી જાય છે. જો ઓછી લાઇક્સ મળે, તો બાળકોમાં ચિંતા (Anxiety), ડિપ્રેશન અને પોતાની સરખામણી અન્ય સાથે કરવાની નકારાત્મક માનસિકતા વધી જતી હોય છે. દરરોજ રાત્રે 10:00થી સવારે 7:00 વાગ્યા સુધી અને શાળાના સમય દરમિયાન (સવારે 8:00થી બપોરે 3:00 વાગ્યા સુધી) પુશ નોટિફિકેશન પર પ્રતિબંધ.
Instagram અને Facebook પર સગીરો માટે દરરોજ મહત્તમ 3 કલાક(અથવા મહિને 90 કલાક)ની ફરજિયાત વપરાશ મર્યાદા.
મેટાએ પોતાના બચાવમાં શું કહ્યું?
મેટાના પ્રવક્તાએ કોર્ટના આ ચુકાદા સામે અસંમતિ દર્શાવતા કહ્યું હતું કે, ‘અમે અમારા પ્લેટફોર્મ પર લોકોને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે આ ચુકાદા સામે અપીલ કરીશું.’
મેટા માટે આ નાણાકીય દંડ કેટલો આકરો છે?
મેટાની ત્રિમાસિક આવક $61 બિલિયન જેટલી હોવાથી $942 મિલિયનનો દંડ ઘણાને નાનો લાગી શકે છે, પરંતુ નિષ્ણાતોના મતે આટલો દંડ પણ એ વાતનો મજબૂત સંકેત આપે છે કે હવે ટેક જાયન્ટ્સ સ્વેચ્છાએ જે મનમાની કરતા હતા તેના પર વૈશ્વિક અંકુશ આવશે.
સોશિયલ મીડિયા પર લગામ કસવાના મામલે યુરોપ પણ અમેરિકાના માર્ગે
અમેરિકા ઉપરાંત યુકે અને યુરોપિયન યુનિયન પણ 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અથવા કડક નિયમો લાગુ કરવા દિશામાં આગળ વધી રહ્યા છે. મેટા સહિતની ટેક જાયન્ટ્સ કંપનીઓ પર તેઓ કેવી લગામ કસે છે, એના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

