VIDEO: પનામામાં 7.7ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ! 45થી વધુ આફ્ટરશોકથી ફફડાટ, અનેક ઈમારતો ધરાશાયી
મધ્ય અમેરિકન દેશ પનામામાં શુક્રવારે કુદરતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. દેશમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રથમ 7.7ની તીવ્રતાના ભૂકંપે ધરતીને ધ્રુજાવી દીધી હતી, ત્યારબાદ 6.6ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. આ કુદરતી આફતને કારણે ભૂકંપના કેન્દ્રની આસપાસ અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સતત આવતા આફ્ટરશોક્સને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું ભૂકંપનું કેન્દ્ર
અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS)ના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે પનામામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર હેરેરા પ્રાંતના પિતાલોસા અરીબા નજીક નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાથી તેની અસર આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ હતી. શરૂઆતમાં USGS દ્વારા ભૂકંપની તીવ્રતા 8 નોંધવામાં આવી હતી, જેને બાદમાં સુધારીને 7.7 કરવામાં આવી હતી.
પ્રથમ ભૂકંપ બાદ પણ ધરતીના આંચકા બંધ થયા નહોતા. ભૂકંપ વૈજ્ઞાનિકોએ 5.8, 5.5 અને 5.2ની તીવ્રતાના આંચકાઓ સહિત 45થી વધુ આફ્ટરશોક્સ (Aftershocks) નોંધ્યા હતા. સતત આવતા આંચકાઓને કારણે લોકોમાં ફરીથી મોટો ભૂકંપ આવવાની આશંકા અને ભયનો માહોલ સર્જાયો હતો.
ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભૂકંપની અસર પાટનગર પનામા સિટી સુધી અનુભવાઈ હતી. અચાનક ધરતી ધ્રૂજવા લાગતાં લોકો જીવ બચાવવા માટે ઘરો અને ઊંચી ઈમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. અનેક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના કેન્દ્રની નજીક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું અને કેટલીક ઈમારતો ધરાશાયી થઈ હતી.
હેરેરા પ્રાંતના 60 વર્ષીય રહેવાસી રોસેન્દો ડોમિંગેઝે ભૂકંપનો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે આંચકા એટલા શક્તિશાળી હતા કે તેમના ઘરની રસોઈમાં રાખેલો સામાન નીચે પડીને વેરવિખેર થઈ ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનો પરિવાર સુરક્ષિત રહ્યો હતો, પરંતુ ભૂકંપની તીવ્રતાએ સૌને હચમચાવી દીધા હતા.
પનામામાં આવેલા આ શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદના આફ્ટરશોક્સને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. સતત આવતા આંચકાઓને પગલે લોકો સાવચેતી રાખી રહ્યા છે.

