VIDEO: ચીન પર બેવડી આફત: ટાયફૂન 'માયસેક' બાદ હવે 'બાવી' વાવાઝોડાનો ખતરો, પૂરના કારણે ૯૦૦ ઝેરી સાપ ભાગતા ફફડાટ
ટાયફૂન 'બાવી' રવિવારે ચીનના પૂર્વીય શહેર વેન્ઝોઉમાં લેન્ડફોલ કરે તેવી પ્રબળ આશંકા છે. આ પહેલા ચીન આ જ મહિનાની શરૂઆતમાં હેનાન પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ટાયફૂન 'માયસેક' ની અસરોનો સામનો કરી રહ્યું છે. ટાયફૂન બાવી તાઇવાન અને જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર કહેર મચાવ્યા બાદ હવે, ચીન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં અતિશય ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. ડઝનબંધ નદીઓ જોખમી સપાટી વટાવી ચૂકી છે, અને એક જળાશયનો ડેમ તૂટી ગયો છે.
પૂરના કારણે 900 ઝેરી સાપ ભાગ્યા
ચીનના હેનાન પ્રાંતમાં 3 જુલાઈના રોજ ત્રાટકેલા ટાયફૂન માયસેકની અસર હજુ પણ જોવા મળી રહી છે. દક્ષિણના શહેર હેંગઝોઉમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે, 6 જુલાઈના રોજ એક બ્રીડિંગ સેન્ટરમાંથી અંદાજે 900 જેટલા ઝેરી અને ખતરનાક સાપ ભાગી છૂટ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ચીનમાં યુદ્ધના ધોરણે સ્થળાંતર
ઝેજિયાંગ પ્રાંતના વેન્ઝોઉ શહેરમાં રવિવારે વહેલી સવારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને જોતા શુક્રવારે મોડી રાત સુધીમાં 887,801 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરીય ભાગોમાં પૂરના જોખમને કારણે અન્ય 100,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. બેઇજિંગમાં ભારે વરસાદને કારણે મિયુન જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સરકારી મીડિયા અનુસાર, પૂર્વીય ઝેજિયાંગ અને ફુજિયન પ્રાંતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
તાઇવાન, જાપાન અને ફિલિપાઇન્સમાં ભારે નુકસાન
તાઈવાનઃ વાવાઝોડાના કારણે અહીં ઉદ્યોગ-ધંધાઓ સતત બીજા દિવસે બંધ રહ્યા છે. પર્વતીય વિસ્તારોમાંથી 14,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, અને 170,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, વાવાઝોડામાં 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, અને દરિયામાં 10 મીટર સુધીના ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
જાપાન: જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મિયાકો ક્ષેત્રમાં ભારે નુકસાન થયું છે, અને 18,000થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ડઝનબંધ ફ્લાઇટ્સ રદ થવાના કારણે 26,000થી વધુ મુસાફરો અટવાયા છે.
ફિલિપાઇન્સ: ટાયફૂન બાવીના કારણે સક્રિય થયેલા ચોમાસાના લીધે થયેલા, ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. અંદાજે 11,000 લોકો વિસ્થાપિત થયા છે.
વૈજ્ઞાનિકોના મતે, સમુદ્રના વધતા તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) અને આ વર્ષે 'અલ નીનો' ની વાપસીના કારણે પેસિફિક ક્ષેત્રમાં ટ્રોપિકલ સાયક્લોનની તીવ્રતા અને આત્યંતિક હવામાનની ઘટનાઓ સતત વધી રહી છે.

