કસ્ટડીમાં લીધેલા 37 લોકોનાં મોત, બીમારી કે ગૂંગળામણ? કારણને લઈને સસ્પેન્સ

નાઈજીરિયાના નાઈજર રાજ્યમાં સુરક્ષા દળોની કસ્ટડીમાં રહેલા 37 શંકાસ્પદ ગેરકાયદે ખનનકર્તાઓનાં મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુરુવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકો ‘નાઈજીરિયા સિક્યોરિટી એન્ડ સિવિલ ડિફેન્સ કોર્પ્સ’ (NSCDC)ની કસ્ટડીમાં હતા. નાઈજર રાજ્યના ગવર્નર મોહમ્મદ ઉમરુ બાગીએ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. મામલાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે અને જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણીને લગતો પ્રચાર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ખનનના શંકાસ્પદોની કરાઈ હતી અટકાયત
મૃત્યુ પામેલા તમામ લોકોની મંગળવાર અને બુધવારે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. નાઈજર રાજ્ય ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે અને અહીં સોના સહિત અન્ય ખનિજોની શોધ માટે મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. આ કારણે વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી પણ અવારનવાર કરવામાં આવે છે.
બીમારીના દાવા વચ્ચે ગૂંગળામણની આશંકા
સિવિલ ડિફેન્સ વિભાગના જણાવ્યા અનુસાર, કસ્ટડીમાં રહેલા લોકોમાં કથિત રીતે બીમારી ફેલાઈ હતી અને તેના કારણે મોત થયાં હતાં. જોકે, પ્રારંભિક અહેવાલોમાં કસ્ટડી કેન્દ્રની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. અહેવાલ મુજબ, કેન્દ્રમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકોને રાખવામાં આવ્યા હતા અને પૂરતા પ્રમાણમાં હવા (વેન્ટિલેશન)ની વ્યવસ્થા પણ નહોતી.
આ પરિસ્થિતિને કારણે ગૂંગળામણ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવે તેવી શક્યતા છે.

