VIDEO: ચીન અમારી જાસૂસી કરે છે, અમે પણ એવું જ કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના સંબંધોને લઈને મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ચીન અમેરિકા પર જાસૂસી (Espionage) કરે છે અને અમેરિકા પણ ચીન સાથે આવું જ કરે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેની ગુપ્તચર પ્રવૃત્તિઓ (Intelligence Activities)ને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગામી મુલાકાત દરમિયાન તેઓ તેમની સાથે લગભગ દરેક મુદ્દે ચર્ચા કરશે.
ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો લાંબા સમયથી એકબીજા પર ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ લગાવતા આવ્યા છે.
2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પણ ટ્રમ્પે કરી વાત
ટ્રમ્પે 2028માં યોજાનારી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (Presidential Election) અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આગામી ચૂંટણીમાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને રિપબ્લિકન ઉમેદવાર (Republican Candidate) તરીકે સમર્થન આપશે?
જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હજુ ઘણો સમય બાકી છે. તેમણે જેડી વેન્સની પ્રશંસા કરતા કહ્યું કે તેમની પાસે ઘણા સારા વિકલ્પો છે અને તમામ વિકલ્પો સારા છે. હાલ 2028ની ચૂંટણી માટે રિપબ્લિકન પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોને સંભવિત દાવેદારોમાં આગળ માનવામાં આવે છે.
કેનેડા સાથે વેપાર કરારને લઈને પણ નિવેદન
આ દરમિયાન ટ્રમ્પ આયર્લેન્ડની મુલાકાતે હતા. આયર્લેન્ડથી પરત ફરતી વખતે એરફોર્સ વન (Air Force One)માં સવાર થતાં તેમણે અમેરિકા-કેનેડા સંબંધો અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે કેનેડા સાથે સમજૂતી કરવી સૌથી મુશ્કેલ બાબત છે, પરંતુ કેનેડા અમેરિકા સાથે કરાર (Trade Deal) કરવા માટે ખૂબ ઉત્સુક છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર કરારને લઈને અમેરિકા અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે.
મધ્ય પૂર્વ અંગે પણ ટ્રમ્પનું મોટું નિવેદન
મધ્ય પૂર્વ (Middle East) અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે ખાડીના અન્ય દેશો ઈરાન સાથે મુલાકાત કરી રહ્યા છે તેની તેમને કોઈ ચિંતા નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ચીનની જાસૂસી અંગે ટ્રમ્પના દાવા, 2028ની ચૂંટણી અને કેનેડા સાથેના વેપાર સંબંધો અંગેના તેમના નિવેદનોને કારણે અમેરિકાની આગામી વિદેશ અને આંતરિક નીતિઓને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

