મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનને હાથ લાગ્યો ખનીજનો મબલખ ભંડાર,  60,000 વર્ષ સુધી ચાલે એટલી વીજળી પેદા કરી શકાશે

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આણવા માટે અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે એમાં એનો યુક્રેનના પ

ચીનને હાથ લાગ્યો ખનીજનો મબલખ ભંડાર,  60,000 વર્ષ સુધી ચાલે એટલી વીજળી પેદા કરી શકાશે

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આણવા માટે અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે એમાં એનો યુક્રેનના પેટાળમાં દટાયેલા દુર્લભ ખનીજો હડપી લેવાનો સ્વાર્થ છે. આ બાબતે અમેરિકાને જીદે ચઢેલું જોઈને ખ્યાલ આવે છે કે ખનીજોનું મહત્ત્વ શું છે. દરમિયાન તાજેતરમાં ચીનમાં એક એવા ખનીજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા આપી શકે છે.

કયા ખનીજનો ખજાનો?

ચીનમાં જે બહુમૂલ્ય ખનીજનો અધધધ ખજાનો મળી આવ્યો છે એનું નામ છે થોરિયમ. ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે. 

બગાસું ખાતા પતાસું મોંમાં આવી પડ્યું

ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ (આંતરિક મોંગોલિયા) પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે. હકીકતમાં ત્યાં લોખંડ મેળવવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. આ ક્ષેત્ર આમ પણ દુર્લભ ખનીજો ધરાવતો દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ગણાતું આવ્યું છે, એમાં હવે થોરિયમનો ‘થપ્પો’ થતાં એનું મહત્ત્વ ઔર વધી ગયું છે. 

શું છે થોરિયમ?

થોરિયમ (Thorium) એક કિરણોત્સર્ગી ધાતુ છે. ચાંદીની જેમ સફેદ ચળકાટ ધરાવતી આ ધાતુ યુરેનિયમ કરતાં 200 ગણી વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે જે કામ યુરેનિયમ કરે છે એ જ કામ થોરિયમનો એટલો જ જથ્થો વાપરીને 200 ગણો ફાયદો મેળવી શકાય છે.

થોરિયમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

યુરેનિયમમાંથી ઊર્જા મેળવવા માટે પરંપરાગત પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ થોરિયમમાંથી ઊર્જા મેળવવા માટે ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR) ની જરૂર પડે છે. એની અંદર થોરિયમને લિથિયમ ફ્લોરાઈડ સાથે મિશ્રિત કરીને 1400 ડીગ્રી સેન્ટિગ્રેડના તાપમાને ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોરિયમને યુરેનિયમ-233માં પરિવર્તિત કરે છે, જે પછી વિભાજનમાંથી પસાર થઈને ઊર્જા મુક્ત કરે છે. પરંપરાગત પરમાણુ રિએક્ટરની સરખામણીમાં MSR દ્વારા થતી પ્રક્રિયામાં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે. 

ચીનમાં બની રહ્યું છે વિશ્વનું પહેલું ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’

હાલ ચીનમાં વિશ્વનું પહેલું ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં તેનું નિર્માણકાર્ય પૂરું થઈ જવાની ધારણા છે. 

ચીનના દાવામાં કેટલું સત્ય?

એક અંદાજ મુજબ ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી 10 લાખ ટન થોરિયમ કાઢવામાં આવી શકે છે. ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના પશ્ચિમમાં શિનજિયાંગથી દક્ષિણમાં ગુઆંગડોંગ સુધીના વિસ્તારમાં થોરિયમનો સમૃદ્ધ ભંડાર ધરાવતા કુલ 233 સ્થળો છે. અલબત્ત, આ દાવામાં કેટલું સત્ય છે એ કહી ન શકાય. પશ્ચિમી દેશો, ખાસ તો અમેરિકા સાથેની કટ્ટર સ્પર્ધામાં પોતાનો હાથ ઉપર રાખવા માટે પણ ચીન આવો અતિશયોક્તિયુક્ત દાવો કર્યો હોય, એવું બની શકે.

ચીનની વધતી તાકાતથી અન્ય દેશો ચિંતામાં?

થોરિયમ આધારિત રિએક્ટર પર વિશ્વના ઘણા દેશો વર્ષોથી કામ કરી રહ્યા છે, જેમાં અમેરિકા, રશિયા, ભારત અને ઘણા યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, પરંતુ ચીન હવે આ રેસમાં આગળ નીકળી ગયું છે. થોરિયમનો કુબેર ભંડાર હાથ લાગતાં ચીનની તાકાત અનેક ગણી વધી જવાની, એટલું તો પાકું છે. ત્યારે ચીનના કટ્ટર સ્પર્ધક એવા અમેરિકાના પેટમાં તેલ જરૂર રેડાશે.

ઊર્જા ક્ષેત્રે ચીન ગ્લોબલ ગેમ-ચેન્જર બની શકે છે

થોરિયમને કેળવીને એમાંથી અફાટ ઊર્જા મેળવવામાં વહેલી-મોડી સફળતા મળવાની તો છે જ. એમ થયું તો જે દેશ એ કરી દેખાડશે એ ઊર્જા ક્ષેત્રે સર્વોપરિ સાબિત થશે. હાલમાં ચીન આ દિશામાં સૌથી આગળ છે. જો ચીન થોરિયમ ઉર્જા સ્ત્રોતને વ્યવહારીક રીતે વિકસાવી શકે તો તે પોતાની અને વિશ્વભરના દેશોની ઊર્જા સમસ્યાનો અંત લાવી શકે એમ છે. માનવજાતની ઊર્જા માટેની તેલ, ગેસ અને કોલસા પરની નિર્ભરતા દૂર થઈ જશે અને વૈશ્વિક પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે. 

થોરિયમ બેધારી તલવાર સાબિત થઈ શકે છે

દરેક સારી વસ્તુ પોતાની સાથે અમુક પડકાર પણ લઈને આવે છે, એ હકીકત થોરિયમને પણ લાગુ પડે છે. થોરિયમને જમીનમાંથી કાઢવા માટે એસિડ અને ઊર્જાના મિશ્રણની જરૂર પડે છે. આ પ્રક્રિયા કેટલી ખર્ચાળ સાબિત થશે, એ બાબતે અત્યારે કોઈ માહિતી નથી. વૈશ્વિક ઊર્જા-સંકટનો રામબાણ ઉકેલ બની શકે એવું થોરિયમ જોખમી પણ બની શકે એમ છે. થોરિયમનો પરમાણુ શસ્ત્રો બનાવવા માટે સીધો ઉપયોગ કરી શકાતો નથી, પણ તેની બાય-પ્રૉડક્ટ્સ (પેટા-ઉત્પાદનો)નો આ બાબતે દુરુપયોગ થઈ શકે છે. આમ થાય તો વૈશ્વિક સુરક્ષાની ચિંતા ઊભી થશે. થોરિયમ થકી અમર્યાદિત ઊર્જા તો મળશે, પણ એના ભેગું એના દુરુપયોગની તલવાર પણ માનવજાતને માથે લટકતી રહેશે.

આ સમાચાર શેર કરો