Black Sea માં કોમર્શિયલ જહાજ પર હુમલો, 3 ભારતીય ક્રૂ મેમ્બરનો બચાવ; 2 વિદેશી નાગરિકોના મોત

બ્લેક સી (Black Sea)માં ફરી એકવાર કોમર્શિયલ જહાજ (Commercial Vessel)ને નિશાન બનાવવામાં આવ્યું છે. MV ROYAD MAMMADOV નામના જહાજ પર થયેલા હુમલામાં બે વિદેશી ક્રૂ મેમ્બરના મોત થયા છે, જ્યારે ત્રણ ભારતીય ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો છે. હુમલા બાદ ઘાયલ થયેલા ક્રૂ મેમ્બર્સને સારવાર માટે રોમાનિયા લઈ જવામાં આવ્યા છે.
MV ROYAD MAMMADOV જહાજ પર હુમલો
રોમાનિયામાં સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બ્લેક સીમાં MV ROYAD MAMMADOV જહાજ પર હુમલો થયો હતો. ઘટનામાં કેટલાક ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર (Medical Treatment) માટે રોમાનિયા ખસેડવામાં આવ્યા.
ભારતીય દૂતાવાસે બાદમાં પુષ્ટિ કરી હતી કે જહાજ પર સવાર ત્રણેય ભારતીય નાગરિક સુરક્ષિત છે. જોકે, તેમાંથી એક ભારતીય ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભારતીય રાજદૂતે હોસ્પિટલમાં કરી વાતચીત
રોમાનિયામાં ભારતના રાજદૂત મનોજ મોહપાત્રાએ કોન્સ્ટાંટા કાઉન્ટી હોસ્પિટલમાં દાખલ ત્રણેય ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરી હતી. હોસ્પિટલના ચીફ ફિઝિશિયને તેમને જણાવ્યું કે તમામ ભારતીયોની સ્થિતિ સારી છે અને તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
ભારતીય મિશન (Indian Mission)એ જણાવ્યું છે કે તે હોસ્પિટલ અને સંબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે. ભારતીય ક્રૂ મેમ્બર્સને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
સમુદ્રી માર્ગોની સુરક્ષા સામે ફરી મોટો સવાલ
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બ્લેક સી ઉપરાંત રેડ સી (Red Sea) અને ફારસની ખાડી (Persian Gulf) જેવા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર કોમર્શિયલ જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય વેપાર (Global Trade) માટે આ સમુદ્રી માર્ગો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જહાજો પર થતા હુમલાની સીધી અસર માલસામાનની અવરજવર, વીમા ખર્ચ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડી શકે છે.
જયશંકરે UNમાં ઉઠાવ્યો હતો મુદ્દો
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UN General Assembly)માં કોમર્શિયલ શિપિંગ અને નાવિકો પર થઈ રહેલા હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ગલ્ફ અને રેડ સીથી લઈને બ્લેક સી સુધી કોમર્શિયલ શિપિંગ અને નાવિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતીય નાવિકો સહિત વિવિધ દેશોના નાવિકોએ આવા હુમલામાં જીવ ગુમાવ્યા છે.
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિપિંગ રૂટ્સ અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. આંતરરાષ્ટ્રીય કાયદાનું (International Law) સંપૂર્ણ પાલન જરૂરી છે.
ગયા મહિને ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલો
આ પહેલી ઘટના નથી. ગયા મહિને ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય જહાજ MT El Gaia પર પણ હુમલો થયો હતો. આ જહાજમાં કુલ 14 ક્રૂ મેમ્બર સવાર હતા અને તમામ ભારતીય નાગરિક હતા.
હુમલા બાદ 13 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યા હતા, જ્યારે એક ક્રૂ મેમ્બર લાપતા થયો હતો. ભારતે તે સમયે પણ ઘટનાની કડક નિંદા કરી હતી.
બ્લેક સીમાં તાજેતરના હુમલાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

