ટ્રમ્પની રાહ પર ઓસ્ટ્રેલિયા? વિદેશી વિદ્યાર્થીઓના પરિવાર પર લાગી શકે છે રોક

ઓસ્ટ્રેલિયા (Australia)માં વિદેશી વિદ્યાર્થીઓ (International Students) માટે વિઝા નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર વિદેશી વિદ્યાર્થીઓને તેમના પતિ, પત્ની, પાર્ટનર અને બાળકોને સાથે ઓસ્ટ્રેલિયા લાવવાની મંજૂરી પર નિયંત્રણ મૂકવા અંગે વિચાર કરી રહી છે. આ ઉપરાંત વિઝા બદલવા (Visa Switching) સંબંધિત નિયમો પણ વધુ કડક બનાવવામાં આવી શકે છે.
પરિવારને સાથે લાવવા પર લાગી શકે છે રોક
હાલના નિયમો હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ કેટલીક શરતો સાથે પોતાના પતિ, પત્ની અથવા પાર્ટનરને ઓસ્ટ્રેલિયા લાવી શકે છે. સાથે આવતા પાર્ટનરને કામ કરવાની (Work Rights) મંજૂરી પણ મળી શકે છે. જોકે, આ માટે વિદ્યાર્થીના અભ્યાસક્રમ (Course) સાથે જોડાયેલી કેટલીક શરતો લાગુ પડે છે.
આ ઉપરાંત વિદ્યાર્થી વિઝા ધારક 18 વર્ષથી ઓછી ઉંમરના આશ્રિત બાળકો (Dependent Children)ને પણ ઓસ્ટ્રેલિયા લઈ જઈ શકે છે. જો નવા પ્રસ્તાવિત નિયમો લાગુ થશે, તો વિદેશી વિદ્યાર્થીઓ માટે પરિવારને સાથે લાવવાનો આ વિકલ્પ મર્યાદિત અથવા બંધ થઈ શકે છે.
સરકાર માઇગ્રેશન ઘટાડવા માંગે છે
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી ઇમિગ્રેશન (Immigration) અને માઇગ્રેશન મોટો રાજકીય મુદ્દો બન્યો છે. સરકાર દેશના નેટ ઓવરસીઝ માઇગ્રેશન (Net Overseas Migration)માં વધુ ઘટાડો કરવાની દિશામાં પગલાં લઈ રહી છે.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર ABC Newsના અહેવાલ મુજબ, સરકાર 2028 સુધી નેટ માઇગ્રેશનને ઘટાડીને લગભગ 2.25 લાખ સુધી લાવવાનો લક્ષ્યાંક નક્કી કરી શકે છે. હાલ આ આંકડો લગભગ 3 લાખની આસપાસ છે.
ગૃહ બાબતોના મંત્રી ટોની બર્ક (Tony Burke) ઇમિગ્રેશન અંગે ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ભાષણ આપવાના છે. આ દરમિયાન નવા નિયમો અથવા સરકારની આગામી નીતિ અંગે જાહેરાત થઈ શકે છે.
2025માં નેટ માઇગ્રેશન 3.06 લાખ
સત્તાવાર આંકડા અનુસાર, 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયાનું નેટ ઓવરસીઝ માઇગ્રેશન 3.06 લાખ રહ્યું હતું. 2024માં આ આંકડો 4.29 લાખ અને 2023માં 5.18 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેમાં ઘટાડો નોંધાયો છે.
કોરોના મહામારી બાદ ફેબ્રુઆરી 2022માં ઓસ્ટ્રેલિયાએ લાંબા સમય બાદ પોતાની સરહદો ખોલી હતી. ત્યાર પછી વિદેશી વિદ્યાર્થીઓ, બેકપેકર્સ અને ટેમ્પરરી સ્કિલ્ડ વર્કર્સની સંખ્યામાં વધારો થયો હતો.
વધતા માઇગ્રેશનને કારણે આવાસ (Housing), ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સેવાઓ પર દબાણ વધવાના મુદ્દે દેશમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, પરિવારને સાથે લાવવા અંગેના નવા વિઝા નિયમો અંગે ઓસ્ટ્રેલિયન સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.

