ટ્રમ્પનો વધુ એક સનસનાટીભર્યો દાવો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરી અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરીને તેને 'NEW U.S. Territory' ગણાવી છે. આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા આ મહત્ત્વના દરિયાઈ જળમાર્ગને ઘેરીને તેને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
ટ્રમ્પે નકશો શેર કરીને કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા પોસ્ટ કરાયેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિશાન બનાવી તેની ઉપર 'NEW U.S. Territory' લખવામાં આવ્યું છે. આ અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનો પ્રદેશ જાહેર કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને પોતાની પાસે જ રાખશે. તેમણે અમેરિકન નેવીની નાકાબંધીને સ્ટીલની દીવાલ ગણાવીને કહ્યું હતું કે ઈરાનનું લશ્કરી માળખું નષ્ટ થઈ ગયું છે અને ત્યાં 300% મોંઘવારી છે.

ઈરાને અમેરિકન દાવાઓને ફગાવ્યા
ઈરાન તરફથી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અમેરિકન અધિકારીઓના વારંવારના નિવેદનો અને પોસ્ટથી જમીની હકીકત બદલાતી નથી. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા મોહસિન રઝાઈ (Mohsen Rezaee)એ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી અમેરિકા યુદ્ધ અને નાકાબંધી બંધ નહીં કરે, ઈરાનની જપ્ત કરેલી સંપત્તિઓ પાછી નહીં આપે અને લેબનાન તથા ગાઝા સહિત સમગ્ર વિસ્તારમાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, ત્યાં સુધી હોર્મુઝ બંધ જ રહેશે.
ટ્રમ્પ પોતાની સુરક્ષાની ચિંતા કરે : ઈરાન
ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ઈરાનને હરાવીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકન ક્ષેત્ર જાહેર કરવાની યોજના હોવાનું પુનરાવર્તન કર્યું હતું. આ નિવેદન સામે ઈરાની નેતા ઈબ્રાહિમ અઝીઝીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે 'ટ્રમ્પે હોર્મુઝ પર દાવા કરવાને બદલે પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ, ક્યાંક ફરી ફૂડ ટ્રકમાં છુપાવવાનો વારો ન આવે'. આ તમામ નિવેદનબાજી વચ્ચે ટ્રમ્પે ફરીથી નકશો પોસ્ટ કરીને હોર્મુઝને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવી દીધો છે.

