VIDEO: અમેરિકા/ બર્ગર ખાવા એકઠા થયેલા લોકો પર ફાયરિંગ: આઈડાહોમાં ૩ના મોત, વિસ્તાર સીલ
US Mass Shooting: અમેરિકામાં માસ શૂટિંગની (Mass Shooting) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શનિવારે બપોરે અમેરિકાના આઈડાહો (Idaho) રાજ્યના ટ્વિન ફોલ્સ (Twin Falls) શહેરમાં આવેલા 'ઈન-એન્ડ-આઉટ બર્ગર' (In-N-Out Burger) રેસ્ટોરન્ટમાં અચાનક એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં શૂટર સહિત 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અઠવાડિયા પહેલા જ ખૂલ્યું હતું રેસ્ટોરન્ટ
જે 'ઈન-એન્ડ-આઉટ' રેસ્ટોરન્ટમાં આ હુમલો થયો, તે માત્ર એક અઠવાડિયા પહેલા જ નવું શરૂ કરવામાં આવ્યું હતું. વીકેન્ડ હોવાથી નવા આઉટલેટની મુલાકાતે અને બર્ગર ખાવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક ગોળીઓ છૂટવા લાગતા જ અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ અને ગ્રાહકો પોતાનો જીવ બચાવવા માટે પાર્કિંગ તરફ ભાગતા નજરે પડ્યા હતા.
હુમલાખોર પણ ઠાર, વિસ્તાર સીલ કરાયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોર પણ ઘટનાસ્થળ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે રેસ્ટોરન્ટ આસપાસનો તમામ વિસ્તાર સીલ કરી દીધો હતો અને પેરીન બ્રિજ (Perrine Bridge) ને પણ બંધ કરી દેવાયો હતો.
હુમલાના કારણ અંગે તપાસ શરૂ
ટ્વિન ફોલ્સ પોલીસ ચીફ મેથ્યુ હિક્સે જણાવ્યું કે હુમલાખોર માર્યો ગયો છે અને હવે સ્થાનિક લોકો માટે કોઈ ખતરો નથી. પોલીસ હાલમાં હુમલાખોરની ઓળખ અને આ ગોળીબાર પાછળના મુખ્ય હેતુ અંગે તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત, આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

