માણસે ન વિચાર્યું હોય એ એઆઈ શોધશે, બુદ્ધિના નવા સ્વરૂપોનો થશે ઉદય

વોશિંગ્ટન: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈની ક્ષમતાઓ સતત વધી રહી છે ત્યારે ભવિષ્યમાં તે માનવીથી સાવ અલગ રીતે વિચારશે તેવી પરિકલ્પના વૈજ્ઞાનિક જગતમાં ચર્ચાનો વિષય બની છે. બાયોફિઝિસિસ્ટ અને ગણિતશાસ્ત્રી ડગલસ યોવાનના મતે ભવિષ્યની એઆઈ સિસ્ટમ માત્ર માણસે આપેલી માહિતીનું વિશ્લેષણ કરીને જવાબ આપતી ટેક્નોલોજી નહીં રહે, પરંતુ બુદ્ધિના એવા નવા સ્વરૂપો શોધવામાં મદદ કરી શકે છે, જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
માનવ મગજથી અલગ વિચાર
હાલ એઆઈ ગણતરી, ભાષા સમજવા, તસવીરોનું વિશ્લેષણ કરવા અને વૈજ્ઞાનિક સંશોધન સહિત અનેક ક્ષેત્રોમાં માણસની મદદ કરી રહી છે. પરંતુ તેની ક્ષમતામાં વધુ વધારો થતાં તે એવી પદ્ધતિથી વિચાર કરી શકે છે, જે માનવ મગજ માટે સ્વાભાવિક ન હોય. યોવાનની પરિકલ્પના અનુસાર, બુદ્ધિ માત્ર માનવીય મગજ સુધી મર્યાદિત નથી. એઆઈ ભવિષ્યમાં વિચાર અને બુદ્ધિના નવા પ્રકારો શોધી શકે છે.
વિજ્ઞાનમાં નવી દિશા
આ પરિકલ્પનાનો સૌથી મહત્વનો ભાગ એ છે કે એઆઈ માત્ર હાલના જ્ઞાનનો ઉપયોગ કરીને જવાબ આપવાને બદલે નવી વૈજ્ઞાનિક શક્યતાઓ પણ શોધી શકે છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીની મદદથી એઆઈ એવી ગણિતીય પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક પરિકલ્પના રજૂ કરી શકે છે, જેના વિશે માનવ વૈજ્ઞાનિકોએ અગાઉ વિચાર્યું ન હોય.
વિષયોના જ્ઞાનનું સંયોજન
ભવિષ્યની એઆઈ ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત જેવા અલગ-અલગ વિષયોના જ્ઞાનને એકસાથે જોડીને નવી સમજ વિકસાવી શકે છે. અલગ ક્ષેત્રોની માહિતી વચ્ચે એવા સંબંધો શોધી શકાય છે, જે માનવીય સંશોધનમાં સરળતાથી નજરે ન પડે. આ પ્રક્રિયા નવી શોધો અને સંશોધન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
માણસ-એઆઈ સહકારનું ભવિષ્ય
આ સમગ્ર વિચારમાં માણસ અને એઆઈ વચ્ચેના સહકારને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એઆઈ જેમ માણસ પાસેથી શીખી રહી છે તેમ ભવિષ્યમાં માણસો પણ એઆઈ પાસેથી નવા વિચારો અને સંશોધનની દિશાઓ મેળવી શકે છે. જો આ ક્ષમતાઓ વિકસે તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના અનેક ક્ષેત્રોમાં નવી શક્યતાઓ ઊભી થઈ શકે છે.

