Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : When a common man taught the system a lesson

Chitralok : એક દિવસનો મુખ્યમંત્રી: જ્યારે સામાન્ય માણસે સિસ્ટમને પાઠ ભણાવ્યો

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : એક દિવસનો મુખ્યમંત્રી: જ્યારે સામાન્ય માણસે સિસ્ટમને પાઠ ભણાવ્યો
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર એક બીમારી જોવા મળી રહી છે. આ બીમારી છે, જેન-ઝીને મન ફાવે તેમ બોલવાની. આ જનરેશન-ઝી શું કરી શકે, તે જાણવું હોય તો પાડોશી દેશ નેપાળના રાજકારણને સમજવું પડે. નેપાળમાં ૧૭૬૮થી શરૂ કરીને ૨૦૦૮ સુધી રાજાશાહી રહી. એક સમય એવો આવ્યો કે, જનતા રાજાશાહીથી ત્રસ્ત થઈ. જનતાએ ૧૯ દિવસ સળંગ આંદોલન કર્યું, જેના કારણે ૨૪૦ વર્ષ જૂની રાજાશાહીનું પતન થયું. દેશમાં સંપૂર્ણ લોકશાહી (વચ્ચેના વર્ષોમાં રાજાનું સ્થાન રાષ્ટ્રપતિ સમાન હતું) આવતા જ જનતાને લાગ્યું કે, અમને સાચા અર્થમાં સત્તા મળી છે. પરંતુ, આ પણ લાંબુ ન ચાલ્યું. ભ્રષ્ટાચારીઓએ આખા દેશની સિસ્ટમને ખોખલી કરી નાખી. તેમના વિરૂદ્ધ કોઈ બોલવા તૈયાર જ નહોતું, ત્યારે નાયક બનીને આવી જનરેશન-ઝી. તેમણે ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ મોરચો માંડયો. તેમના નેતૃત્વમાં નેપાળમાં જનઆંદોલન શરૂ થયું. આંદોલનના પહેલાં જ દિવસે ૧૯ પ્રદર્શનકારીઓના મોત થયા. સત્તાધીશોને લાગ્યું કે, નાના છોકરાઓ છે, છોકરમતમાં આંદોલન કરી નાખ્યું છે. હવે શાંત થઈ જશે... પણ ના, તેમણે લડત આપી. આંદોલન ચાલ્યું. કુલ મૃત્યુ આંક ૭૭ સુધી પહોંચ્યો. ત્યારે, રાજનેતાઓની આંખો ખૂલી. દેશમાં વચગાળાની સરકાર આવી. ત્યાર પછીની ચૂંટણીમાં જનતાએ નવા નાયક (પીએમ)ની પસંદગી કરી. નવા નાયકનું નામ : બાલેન શાહ. કામ : રૅપર. તેમની સાથે હોમ મિનિસ્ટર તરીકે સુદાન ગુરુંગ. તેમની ઓળખ : જાણીતા ડીજે. તેમની સરકાર એવી કે કેબિનેટ મંત્રીઓ મળીને સુપરહિટ કોન્સર્ટ કરી શકે. આ જેન-ઝી સરકાર પહેલા દિવસથી જ એક્શનમાં આવી ગઈ.  

App Store

જ્યારે, બાલેન શાહ રૅપર હતા ત્યારે તેમને તબલાં ગિફ્ટમાં આપનારા પૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીને ભ્રષ્ટાચારના આરોપસર જેલ ભેગા કર્યા. રાજનેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે પ્રોપર્ટી ઈન્વેસ્ટિગેશન કમિટીની રચના કરી. આ કમિટીને ૧૯૯૦થી પીએમ રહેલા તમામ નેતાઓએ પોતાની પ્રોપર્ટીની વિગતો આપવી પડશે. જો ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થશે તો વસૂલી કરીને તેમને જેલ ભેગા કરવામાં આવશે. સ્કૂલોમાં પાંચમાં ધોરણ સુધીની પરીક્ષાઓ નાબુદ કરી. યુનિવર્સિટીઝમાં સ્ટૂડન્ટ પોલિટિક્સના દૂષણને ખતમ કર્યું. હોસ્પિટલોમાં ગરીબો માટે ૧૦ ટકા આરક્ષણ લાગુ કર્યું. દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કર્યું. નક્કી કર્યું કે, દેશની કોઈપણ સરકારી કચેરીમાં પીએમ બાલેન શાહનો ફોટો નહીં લાગે. આજે કાઠમંડુના રસ્તા પર દેશના પીએમ સામાન્ય નાગરિકની જેમ ફરતા જોવા મળે છે. જ્યારે દેશના નવા હોમ મિનિસ્ટર કારમાં નીકળે છે, ત્યારે તેમના માટે ટ્રાફિક રોકવામાં નથી આવતો. ઉલ્ટાના હોમ મિનિસ્ટર ટ્રાફિક ક્લીયર કરાવવા લાગી જાય છે. 

આ કોઈ નાટક નથી. દેશમાં ૧૦૦ દિવસનો એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. તેના માટે સ્પેશિયલ વેબસાઈટ તૈયાર કરાઈ છે, જેમાં તમામ નવા નિર્ણયો વિશેની માહિતી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર નેપાળની આ જેન-ઝી સરકાર છવાઈ ગઈ છે. આ નવી ઉત્સાહી સરકારને જોઈને એક હિંદી ફિલ્મ યાદ આવે. આ ફિલ્મનું નામ 'નાયક'. ૭ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ 'નાયક' રિલીઝ થઈ ત્યારે દર્શકોને લાગ્યું કે, દેશને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આવા જ નાયકની જરૂર છે, જે જનતા માટે લડે, જનતાનો અવાજ ઉઠાવે, ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરે... પરંતુ, દર્શકોની આ માંગ થિયેટરો સુધી જ સીમિત રહી. 

સુપરહિટ તમિલ ફિલ્મની રિમેક 

'નાયક'એ ફિલ્મમેકર એસ.શંકરની ૧૯૯૯ની તમિલ સુપરહિટ 'મુધલ્વન' (મુખ્યમંત્રી)ની રિમેક છે. આ તેમની પહેલી બોલિવુડ ફિલ્મ હતી. તેના માટે પહેલાં આમિર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આમિર ખાન અને શંકરનું વિઝન મેચ ના થયું એટલે બંનેએ સાથે કામ કરવાનું ટાળ્યું. ત્યાર બાદ, શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી. શાહરૂખે તે સમયે તાજેતરમાં જ 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'માં પત્રકારની ભૂમિકા ભજવી હોવાથી ફરી પત્રકાર બનવા નહોતા માંગતા. છેવટે, અનિલ કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો. અનિલ માની ગયા.

તમિલ ફિલ્મમાં પણ આવું જ બન્યું હતું. મૂળ ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. તેમણે ફિલ્મ કરવાની ના પાડી. ફિલ્મના નાયકનું નામ શિવાજી રાવ ગાયકવાડ રાખવામાં આવ્યું. જે રજનીકાંતનું સાચું નામ છે. હિંદી ફિલ્મના સંવાદો અન્ય કોઈએ નહીં પણ 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મો બનાવનાર અનુરાગ કશ્યપે લખ્યા હતા. 'નાયક' તેમની બોલિવુડની કહાણીનું એક છૂપાયેલું ચેપ્ટર છે.  

એક દિવસના સીએમ 

આ ફિલ્મની કહાણીના કેન્દ્રમાં એક પત્રકાર છે. વાત એમ છે કે, ક્યુટીવી નામની ન્યુઝ ચેનલમાં કામ કરતા કેમેરામેનને રિપોર્ટર તરીકે પ્રમોશન મળે છે. એક દિવસ તેને અચાનક કહેવામાં આવે છે કે, તારે રાજ્યના સીએમનો ઈન્ટરવ્યુ લેવાનો છે. તેને શું ખબર કે એક જ ઈન્ટરવ્યુ તેની આખી જિંદગી બદલી નાખશે. તેના ધારદાર સવાલોમાં સીએમ ફસાઈ જાય છે. સીએમ ગુસ્સામાં કહી દે છે કે, દમ હોય તો ખાલી એક દિવસ માટે સીએમ બનીને બતાવ! પત્રકાર શિવાજી રાવ તેમની ચેલેન્જ સ્વીકારે છે અને ફિલ્મની કહાણીમાં ટ્વિસ્ટ આવે છે. શિવાજી રાવ સત્તા સંભાળતાની સાથે જ એક્શન લેવાનું શરૂ કરે છે. ગરીબોનાં મકાનો, હોસ્પિટલની અવ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા જેવા મુદ્દાઓમાં પહેલા બોલે સિક્સર ફટકારે છે. ત્યાર બાદ, હજારો ભ્રષ્ટ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવાની સાથે આખી ભ્રષ્ટ કેબિનેટને જેલમાં ધકેલે છે. છેલ્લે સીએમને પણ જેલની હવા ખવડાવે છે. એક દિવસના સીએમ તરીકેની તેની કામગીરી યાદગાર રહે છે, પરંતુ દિવસ પૂરો થતા જ તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે. 

આ દરમિયાન રાજેશ જોષીની પ્રખ્યાત કવિતાનો સાક્ષાત્કાર થાય છે,  જેમાં તેમણે કહ્યું હતું કે- 

'જો ઈસ પાગલપન મેં શામિલ નહીં હોંગે, મારે જાયેગેં, 

કઠહરે મેં ખડે કર દિયે જાયેંગે, 

જો વિરોધ મેં બોલેંગે, 

જો સચ સચ બોલેંગે, મારે જાયેંગે..

બર્દાશ્ત નહીં કિયા જાયેગા કિ કિસી કી કમીઝ કો, 

ઉનકી કમીઝ સે જ્યાદા સફેદ, 

કમીઝ પર જિનકે દાગ નહીં હોંગેં, મારે જાયેગેં..

ધકેલ દિયે જાયેંગે કલા કી દુનિયા સે બાહર, 

જો ગુણ નહીં ગાયેંગે, મારે જાયેંગે..

સબસે બડા અપરાધ હૈ ઈસ સમય નિહત્થે ઔર નિરઅપરાધી હોના, 

જો અપરાધી નહીં હોંગે, મારે જાયેંગે...' 

શિવાજી રાવની પાછળ આખેઆખી સિસ્ટમ પડે છે. તેનું જીવવું મુશ્કેલ કરી નાખે છે. તેની હત્યાનો પ્રયાસ થાય છે ત્યારે ફેમસ કાદવવાળો સીન જોવા મળે છે, જેમાં શિવાજી રાવ ગુંડાઓની ફોજનો સામનો કરે છે. ત્યાર બાદ તેનો જનતા દ્વારા દૂધનો અભિષેક કરવામાં આવે છે. જે દર્શાવે છે કે, જનતા ક્યારેય સારા કામોને નથી ભૂલતી. ભલેને તે એક દિવસ માટે જ કેમ હોય? પણ, હા, શિવાજી રાવે એકલા હાથે આ તમામનો સામનો કરવો પડે છે. આ દરમિયાનની તેની ફૂલ-ટર્મ માટે સીએમ બનવા સુધીની સફર અનેક ઉતાર-ચઢાવથી ભરપૂર રહે છે. 

એક સીન માટે 700 ટીવીનો કચ્ચરઘાણ 

ફિલ્મના એક સીન માટે એક સાથે ૭૦૦ ટીવીને તોડવામાં આવ્યા હતા. તેમણે ધાર્યું હોત તો કમ્પ્યુટર ઈમેજરીનો ઉપયોગ કરી શકત, પરંતુ શંકરનો આગ્રહ હતો કે, દર્શકોને આ સીનની ગંભીરતાનો અહેસાસ થવો જોઈએ. 

ભારતના 100થી વધુ સ્થળોએ શૂટિંગ 

આ ફિલ્મ માટે ભારતના ૧૦૦થી વધુ સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. 'ચલો ચલે મિતવા'ને લદ્દાખથી લઈને કન્યાકુમારી સુધીના સ્થળો પર માત્ર ૧૫ દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત માટે શંકરનો આગ્રહ હતો કે, ચારેય કુદરતી તત્વો- પવન, પાણી, પૃથ્વી અને માટી સ્ક્રીન પર પ્રસ્તુત થાય. રાની મુખર્જી આ ફિલ્મની નાયિકા છે.

હિંદી-તમિલમાં એ.આર. રહેમાનનું મ્યુઝિક 

તમિલ અને હિંદી એમ બંને વર્ઝનનું મ્યુઝિક એ.આર. રહેમાને આપ્યું હતું. હિંદી ફિલ્મ માટે તેમણે બે નવાં ગીતો ઉમેર્યા હતાં. આ ફિલ્મનાં ગીતો આનંદ બક્ષીએ લખ્યા હતાં. આ ફિલ્મ તેમની મૃત્યુ પહેલાંની છેલ્લી ફિલ્મ બની હતી. 

એક સીનમાં ફિલ્મની પોલ ખૂલી 

ફિલ્મમાં કરેલી મહેનત પર પાણી ફેરવવાનું કામ તેના એક સીને કર્યું હતું. શંકર મુંબઈને એક આધુનિક ચમકતા શહેર તરીકે બતાવવા માંગતા હતા, જેના માટે અમેરિકાની ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્રેમમાં દેખાતા હેલિકોપ્ટર પર પણ અમેરિકાની રજિસ્ટ્રેશન માર્કિંગ હતું. 

ફિલ્મ બોક્સઓફિસ પર ફેઈલ 

ફિલ્મ પ્રોડયુસરની મૂળ યોજના 'નાયક'ને સ્વતંત્રતા દિવસે રિલીઝ કરવાની હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તેને મૂલતવી રાખવામાં આવી. ફિલ્મના પ્રોડ્કશન અને માર્કેટિંગ પાછળ ૨૧ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે, ફિલ્મ ૨૦.૫૬ કરોડની જ કમાણી કરી શકી હતી. 

ફિલ્મની શીખ 

આ ફિલ્મની શીખ રાજેશ જોષીની કવિતા જેવી છે. જે નીડર છે, ઈમાનદાર છે, હંમેશા સાચું બોલે છે અને ખોટાનો વિરોધ કરે છે. તેવા વ્યક્તિઓએ ભારે કિંમત ચૂક્વવી પડશે, કંઈ એમ જ નાયક નથી બનાતું. નેપાળની બાલેન શાહ સરકાર સામે પણ અનેક પડકારો ઊભા કરવામાં આવશે. કદાચ, એવું પણ બને કે, બાલેનને એકલા પાડી દેવામાં આવે. ત્યારે તેમની કોઠાસૂઝની કસોટી થશે, ત્યારે આ ફિલ્મની શીખ તેમને કામ લાગશે કે, એકલા ચાલવાની હિંમત હશે તો જ નાયક બની શકશો. બાકી, ભીડતંત્ર મુબારક. 

'જો ઈસ પાગલપન મેં શામિલ નહીં હોંગે, મારે જાયેગેં, 

કઠહરે મેં ખડે કર દિયે જાયેંગે, 

જો વિરોધ મેં બોલેંગે, 

જો સચ સચ બોલેંગે, મારે જાયેંગે..

 બર્દાશ્ત નહીં કિયા જાયેગા કિ કિસી કી કમીઝ કો, 

ઉનકી કમીઝ સે જ્યાદા સફેદ, 

કમીઝ પર જિનકે દાગ નહીં હોંગેં, મારે જાયેગેં..

ધકેલ દિયે જાયેંગે કલા કી દુનિયા સે બાહર, 

જો ગુણ નહીં ગાયેંગે, મારે જાયેંગે..

સબસે બડા અપરાધ હૈ ઈસ સમય નિહત્થે ઔર નિરઅપરાધી હોના, 

જો અપરાધી નહીં હોંગે,  મારે જાયેંગે...'