VIDEO: જેને પોતાનો ગણીને ઉછેર્યો તે નીકળ્યો પારકો! 38 વર્ષ બાદ બે પરિવારોને ખબર પડી કે તેમના બાળકો બદલાઈ ગયા હતા
અમેરિકામાંથી (America) એક અત્યંત વિચિત્ર અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. વર્ષો જૂની હિન્દી ફિલ્મોની વાર્તા જેવો આ કિસ્સો હકીકતમાં બન્યો છે, જ્યાં 38 વર્ષ પહેલાં હૉસ્પિટલમાં જન્મેલા બે બાળકોની અદલાબદલી (Swapped at birth) થઈ ગઈ હતી. હવે આટલા વર્ષો પછી જ્યારે એક ડીએનએ ટેસ્ટના (DNA Test) કારણે આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે, ત્યારે બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા છે. મોટો થઈ ચૂકેલા આ બંને પુરુષોએ હવે આ ગંભીર બેદરકારી બદલ હૉસ્પિટલ સામે કાયદાકીય કેસ (Lawsuit) દાખલ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે હૉસ્પિટલની આ ભૂલના કારણે તેમની પાસેથી તે જિંદગી છીનવાઈ ગઈ જે ખરેખર તેમના નસીબમાં હતી.
એક આકસ્મિક 'ગિફ્ટ'થી ખુલ્યું વર્ષો જૂનું રહસ્ય
આ સમગ્ર મામલાનો ખુલાસો ખૂબ જ નાટકીય ઢબે થયો. કાઈલ બાઈલિન (Kyle Bylin) નામના વ્યક્તિને તેની સાચી ફેમિલી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેને નાતાલ (Christmas) પર ભેટમાં હોમ ટેસ્ટિંગ કિટ (At-Home DNA Test kit) મળી હતી. આ ટેસ્ટના પરિણામો જ્યારે વંશાવળી સાથે જોડાયેલી એક વેબસાઇટ પર અપલોડ થયા, ત્યારે કાઈલને તેની સગી ફોઈ વિશે જાણવા મળ્યું. આ કડી મળ્યા બાદ, તેની ફોઈના ભત્રીજા જેરેમી મોરિસને (Jeremy Morrison) પણ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. જ્યારે બંનેના રિપોર્ટ સામે આવ્યા ત્યારે સત્ય એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું.
આ ચોંકાવનારા ખુલાસા પર કાઈલ બાઈલિને કહ્યું, "હું ટેસ્ટના પરિણામો જોઈને હેરાન રહી ગયો હતો. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે જન્મ સમયે મારી કોઈ બીજા બાળક સાથે અદલાબદલી થઈ હશે."
ભાઈનો ચહેરો જોઈને વહેમ પાકો થયો
જેરેમી મોરિસને જણાવ્યું કે, જ્યારે તેણે કાઈલ બાઈલિનના ભાઈનો ફોટો જોયો ત્યારે તેનો વહેમ પાકા વિશ્વાસમાં બદલાઈ ગયો, કારણ કે જેરેમીનો ચહેરો કાઈલના ભાઈ સાથે અદ્દલ મળતો આવતો હતો. સ્ટેટ કોર્ટમાં (State Court) દાખલ કરાયેલા કેસ મુજબ, મોરિસન અને બાઈલિન બંનેનો જન્મ 26 જાન્યુઆરી, 1988ના રોજ નોર્થ ડકોટાના (North Dakota) ગ્રાફ્ટનમાં આવેલા યુનિટી મેડિકલ સેન્ટરમાં (Unity Medical Center) થયો હતો. હૉસ્પિટલની ભૂલના કારણે તે જ દિવસે બંને ખોટા માતા-પિતા સાથે પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
સ્ટાફની ભૂલ સ્વીકારવા તૈયાર નથી હૉસ્પિટલ
બીજી તરફ, હૉસ્પિટલ પ્રશાસન પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. યુનિટી મેડિકલ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં (Statement) જણાવાયું છે કે, "અમે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર તે સમયે શું થયું હતું, પરંતુ એવા કોઈ પુરાવા (Evidence) મળ્યા નથી જેનાથી સાબિત થાય કે બાળકો બદલાવાની આ ભૂલ માટે હૉસ્પિટલનો સ્ટાફ જવાબદાર હતો."
જોકે, કાઈલ બાઈલિન (જેનો જન્મ વાસ્તવમાં જેરેમી મોરિસન તરીકે થયો હતો) પાસે હજી પણ હૉસ્પિટલનું એ અસલી આઈડી બ્રેસલેટ (Hospital ID bracelet) મોજૂદ છે, જેમાં ભૂલથી તેની ઓળખ કાઈલ બાઈલિન તરીકે લખવામાં આવી હતી. કમનસીબે, હૉસ્પિટલના તે સમયના જૂના રેકોર્ડ્સ (Records) હવે ઉપલબ્ધ નથી.
'કાઈલ હંમેશા મારો દીકરો રહેશે, પણ...'
કાઈલને પોતાનો જ દીકરો સમજીને અત્યાર સુધી ઉછેરનારી માતા એવલિન ન્યૂટને (Evelyn Newton) અત્યંત ભાવુક થઈને કહ્યું, "કાઈલ આજે પણ મારો દીકરો છે અને આ વાત ક્યારેય બદલાવાની નથી. પરંતુ મને એ વાતનું ખૂબ દુઃખ છે કે મારી એ જિંદગી ખોવાઈ ગઈ જે મારે મારા અસલી દીકરા સાથે જીવવાની હતી. હું ઈચ્છવા છતાં પણ હવે પાછી 1988ના વર્ષમાં નથી જઈ શકતી."
અગાઉ પણ સામે આવી ચૂકી છે આવી ગેરરીતિઓ
હૉસ્પિટલોની આવી ગંભીર બેદરકારીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ અમેરિકાના ફિનિક્સ (Phoenix) શહેરમાંથી પણ તબીબી જગતને હચમચાવી દેનારો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં છેલ્લા 10 વર્ષથી કોમામાં (Coma) રહેલી એક મહિલા દર્દીએ બાળકને જન્મ આપ્યો હતો. એ સમયે પણ સત્ય બહાર લાવવા માટે હૉસ્પિટલના તમામ પુરુષ કર્મચારીઓનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

